નવી દિલ્હીઃ ચૂંટણી પંચના નિર્ણય અને કામકાજની રીતને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચે આ અરજી પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેને નવા મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-6માં કોઈ પણ ફેરફારોને મંજૂરી આપી નથી.
કોર્ટે આ વાત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સત્તાઓને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન કહી હતી. કોર્ટને SIR પ્રક્રિયા હેઠળ ફોર્મ 6માં કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવવામાં આવ્યું હતું ત્યારે આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે તેણે આવા કોઈ ફેરફારને મંજૂરી આપી નથી. કોર્ટે કહ્યું, અમે ફોર્મ 6માં ફેરફારોને મંજૂરી આપી નથી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે, ફેરફાર કોણે કર્યા તે જાણવા માટે કોર્ટ રેકોર્ડની તપાસ કરવા માંગે છે. જ્યારે રેકોર્ડ રજૂ કરવામાં આવશે, ત્યારે અમે ફોર્મ 6માં ફેરફાર કોણે કર્યો છે તે જોઈશું.
ફોર્મ-6માં શું ફેરફાર થયો છે?
ફોર્મ 6નો વિવાદ ચૂંટણી પંચના વધારાના SIR ડિક્લેરેશન સાથે જોડાયેલો છે, જેમાં નવા મતદારોએ જૂની મતદાર યાદી સાથે લિંક આપવી જરૂરી બને છે. ચૂંટણી પંચનું કહેવું હતું કે આ માત્ર એક એનેક્ષર છે, જ્યારે વિવેચકોએ કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વગર એક કાનૂની ફોર્મમાં ફેરફાર કરી દીધો હોવાની દલીલ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ ન્યાયાધીશ મેનકા ગુરુસ્વામીએ જણાવ્યું કે આ પડકાર એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે ચૂંટણી પંચની કામગીરી સાથે સંકળાયેલો છે. તેઓ CECની કામગીરી પર સવાલ ઉઠાવતી પોતાની દલીલો પર કાયમ છે. તેમણે કહ્યું કે, અમે આ દેશમાં નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓના વાતાવરણમાં મોટા થયા છીએ. આજે એવી પરિસ્થિતિ રહી નથી. અમે પણ અમારું હોમવર્ક કરીએ છીએ. અમને પણ આ બાબતની જાણકારી છે.
વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ વધુમાં કહ્યું, હું તમને એક ઉદાહરણ આપું છું. કારણ કે આ તાજેતરમાં દિલ્હી સાથે જોડાયેલો મામલો છે. દિલ્હીમાં SIR કેવી રીતે કરવામાં આવ્યું, ફોર્મ 6માં બે નવી શરતો ઉમેરવામાં આવી છે. બદલાયેલું ફોર્મ 6 બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ CJIએ કહ્યું કે, અમે કોઈપણ બદલાયેલા ફોર્મ 6ને મંજૂરી આપી નથી તેની નોંધ લેશો.
સુપ્રીમ કોર્ટે ECIને નિર્ણયોનો રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું કે, જેથી એ જોઈ શકાય કે આ નિર્ણય માત્ર જ્ઞાનેશ કુમારે લીધો હતો કે પછી ECI દ્વારા બહુમતીથી કે સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.
કોર્ટે કહ્યું કે જ્યારે રેકોર્ડ રજૂ કરવામાં આવશે ત્યારે અમે ફોર્મ 6માં ફેરફાર કોણે કર્યો તે જોવા માંગીશું. અમે ફોર્મ 6માં ફેરફારને મંજૂરી આપી નથી. મેનકા ગુરુસ્વામીએ આગળ જણાવ્યું કે દિલ્હીમાં આ સંખ્યા ૩૦ લાખ છે અને બંગાળમાં ૯૦ લાખ. એટલે કે SIR પ્રક્રિયાથી આટલા બધા મતદારો પ્રભાવિત થયા છે.
તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના મતાધિકાર પ્રભાવિત થઈ રહ્યા છે. આ મામલો CEC સંસ્થાની રાષ્ટ્રીય કામગીરી સાથે જોડાયેલો છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે જો કોઈ ગેરકાયદે કામ થયું હશે, તો તેના પરિણામો પણ ભોગવવા પડશે.