Tue Oct 06 2026

Logo

વિદેશ ભાગવાની તૈયારીમાંઃ નિતેશ રાણેએ આદિત્ય ઠાકરે માટે કર્યો મોટો દાવો

2026-10-05 21:44:21
Author: Mumbai Samachar Team
વિદેશ ભાગવાની તૈયારીમાંઃ નિતેશ રાણેએ આદિત્ય ઠાકરે માટે કર્યો મોટો દાવો

મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ દાવો કર્યો હતો કે દિશા સાલિયનના મૃત્યુ કેસને લગતા આરોપો વચ્ચે શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે કદાચ દેશ છોડી ગયા હશે અથવા વિદેશ ભાગવાની તૈયારી કરી રહ્યા હશે. 

ભાજપના નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે ધરપકડના ડરને કારણે ધારાસભ્ય રવિવારે મુંબઈમાં સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેના નેતૃત્વમાં યોજાયેલી વિરોધ રેલીમાં સામેલ થયા નહોતા.

રાણેએ દાવો કર્યો હતો કે દિશા સાલિયનના મૃત્યુ કેસને લગતી એફઆઈઆર અને નિવેદનોમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે, અને તેમણે માંગ કરી હતી કે તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરે અને હકીકતો સ્પષ્ટ કરે. 

તેમણે એવી માંગ પણ કરી હતી કે જો તપાસ એજન્સીઓ પાસે ઠાકરે દેશ છોડીને જઈ શકે છે તેવી શંકા કરવા માટેના કાયદાકીય આધાર હોય, તો તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે અને લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવે.  

ભાજપના નેતાએ આક્ષેપ કર્યો હતો કે નાગરિક સુવિધાના કોન્ટ્રાક્ટના કેસમાં તપાસનો સામનો કરી રહેલા અભિનેતા ડીનો મોરિયા માત્ર એક "મહોરું" છે, આદિત્ય ઠાકરે તેમના "ગોડફાધર" છે.

રાણેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યક્તિના હોદ્દાને ધ્યાનમાં લીધા વિના કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ,તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ આરોપો અદાલતમાં સાબિત થયા નથી. 

દરમિયાન, આદિત્ય ઠાકરેએ આજે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ મંગળવારે પુણેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનને લગતા મુદ્દાઓ પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે જોડાશે.