ન્યૂ ઝીલૅન્ડમાં રમાશે ટેસ્ટ, વન-ડે અને ટી-20 સિરીઝઃ 60 ક્રિકેટરના વિઝા તૈયાર થઈ ગયા છે
નવી દિલ્હીઃ અજિત આગરકરના ચીફ સિલેક્ટરના હોદ્દાની મુદતનો સત્તાવાર રીતે રવિવાર, ચોથી ઑક્ટોબરે અંત આવ્યો અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા (PRAGYAN OJHA)ને હમણાં ટીમ ઇન્ડિયા માટેની સિલેક્શન કમિટીનું અધ્યક્ષસ્થાન સોંપાયું છે જેમાં તેની આકરી કસોટી શરૂ થઈ રહી છે, કારણકે મંગળવારે અથવા બુધવારે પ્રજ્ઞાનની સમિતિએ ન્યૂ ઝીલૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ત્રણેય ફૉર્મેટની તેમ જ ઇન્ડિયા-એ ટીમ (TEAMS)ની જાહેરાત કરવાની છે. આ ટીમમાં ખાસ કરીને પેસ બોલર આકાશ દીપને અપાનારા કમબૅકનો મુદ્દો ચર્ચાસ્પદ રહેશે. તે ઘણા મહિનાઓથી ઈજાને કારણે ટીમ ઇન્ડિયાની બહાર હતો, પણ હવે પૂર્ણપણે ફિટ છે.
બાવીસમી ઑક્ટોબરથી પહેલી ઑક્ટોબર દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડમાં ભારતીય ક્રિકેટરો પાંચ ટી-20, પાંચ વન-ડે અને બે ટેસ્ટ રમશે. ઇન્ડિયા-એની ત્રણ બિનસત્તાવાર ટેસ્ટ પણ રમાશે. પીટીઆઇના અહેવાલ મુજબ બીસીસીઆઇએ આ લાંબી ટૂર માટે કુલ મળીને દેશના 60 ક્રિકેટરો માટેના વિઝા તૈયાર કરી રાખ્યા છે.
પ્રજ્ઞાન ઓઝાની સિલેક્શન કમિટીના બીજા ત્રણ મેમ્બરમાં આર. પી. સિંહ, અજય રાત્રા અને શિવ સુંદર દાસનો સમાવેશ છે. કિવી-ટૂરમાં વન-ડે અને ટેસ્ટ સિરીઝ વચ્ચે ચાર જ દિવસનું અંતર હશે એટલે એ ટીમોના સિલેક્શન કસોટીનો મુદ્દો બનશે. ગિલ સહિત કેટલાક ખેલાડીઓ ટેસ્ટ અને વન-ડે, બન્ને શ્રેણીમાં રમશે.
ગિલ ટેસ્ટની તૈયારી માટે કદાચ છેલ્લી બે વન-ડેમાં નહીં રમે તો રાહુલ અથવા શ્રેયસ ઐયરને અંતિમ બે વન-ડેનું સુકાન સોંપાશે એવી સંભાવના છે. સાતથી આઠ ખેલાડી આ બન્ને ફૉર્મેટની ટીમમાં હશે અને એમાં ગિલ, યશસ્વી, કે. એલ. રાહુલ, બુમરાહ, સિરાજ, નીતીશ રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના વગેરે સામેલ છે. ટી-20ની ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હોવાથી એના મોટા ભાગના ખેલાડીઓને ન્યૂ ઝીલૅન્ડની ટૂર માટે જાળવી રાખવામાં આવશે એવી સંભાવના છે.