Mon Oct 05 2026

Logo

પૃથ્વી શૉ માત્ર એક મૅચ માટે મહારાષ્ટ્રનો કૅપ્ટન, કારણકે...

2026-10-05 17:21:08
Author: Ajay Motiwala
પૃથ્વી શૉ માત્ર એક મૅચ માટે મહારાષ્ટ્રનો કૅપ્ટન, કારણકે...

મુંબઈઃ ભારત વતી 2018થી 2021 દરમ્યાન 12 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા અને 2018માં અન્ડર-19 કૅપ્ટન તરીકે વર્લ્ડ કપમાં ભારતને ટ્રોફી અપાવનાર પૃથ્વી શૉ (Prithvi Shaw)ને મહારાષ્ટ્રની રણજી ટીમમાં મહારાષ્ટ્રની ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.

જોકે મહારાષ્ટ્ર (Maharashtra)ની ટીમનો રેગ્યુલર કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઇન્ડિયા-એ ટીમની ટૂર્નામેન્ટમાં રમવાનો હોવાથી રણજી ટ્રોફીની પ્રારંભિક મૅચ નહીં રમી શકે એટલે તેની ગેરહાજરીમાં પૃથ્વી શૉને સુકાન સોંપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રની રણજી ટ્રોફીની સર્વિસીઝ સામેની પ્રથમ મૅચ દિલ્હીમાં 11-14 ઑક્ટોબર દરમ્યાન રમાશે. 11મી ઑક્ટોબરે ઇન્ડિયા-એની ઑસ્ટ્રેલિયા-એ સામેની છેલ્લી બિનસત્તાવાર વન-ડે રમાવાની હોવાથી ગાયકવાડ રણજી ટ્રોફીમાં ઉપલબ્ધ નહીં થઈ શકે અને તેની ગેરહાજરીમાં મહારાષ્ટ્રનું સુકાન પૃથ્વી શૉ સંભાળશે જેની ટીમમાં ખાસ કરીને અંકિત બાવણે, વિકેટકીપર સૌરભ નવલે, મુકેશ ચૌધરી, વિક્કી ઓસ્તવાલ, રાજ્યવર્ધન હંગારગેકરનો સમાવેશ છે.

ગાયકવાડની માફક અર્શિન કુલકર્ણી પણ ઇન્ડિયા-એ વતી રમવાનો હોવાથી મહારાષ્ટ્ર વતી પ્રથમ રણજી મૅચમાં નહીં રમી શકે. પૃથ્વી શૉ 2025-'26ની રણજી સીઝનની પહેલાં જ મુંબઈની ટીમ છોડીને મહારાષ્ટ્રની ટીમમાં જોડાયો હતો. તેણે મહારાષ્ટ્ર વતી સાત મૅચમાં સૌથી વધુ કુલ 537 રન બનાવ્યા હતા.