Mon Oct 05 2026

Logo

ઑસ્ટ્રેલિયા-એ સામે હાર્દિકને બદલે રમશે મુંબઈનો આ ખેલાડી

2026-10-05 16:19:01
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયા-એ સામે હાર્દિકને બદલે રમશે મુંબઈનો આ ખેલાડી

પુડુચેરીઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) નવી ઈજાનો શિકાર થયો હોવાથી મંગળવારે અહીં ઑસ્ટ્રેલિયા-એ સામે શરૂ થનારી બિનસત્તાવાર વન-ડે સિરીઝ માટેની ઇન્ડિયા-એ ટીમમાં તેના સ્થાને મુંબઈના સૂર્યાંશ શેડગે (Shedge)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ આ ટીમનો કૅપ્ટન અને દેવદત્ત પડિક્કલ વાઇસ-કૅપ્ટન છે. ટીમમાં ખાસ કરીને પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, સાઇ સુદર્શન, યશ ઠાકુર અને યશ ઠાકુરનો સમાવેશ છે.

હાર્દિક પુડુચેરીમાં જ રમાનારી ત્રણ મૅચની સિરીઝમાં રમવાનો જ હતો, પણ પાંચ મહિનાથી તેની ફિટનેસની સમસ્યામાં વધુ એક વિઘ્ન આવ્યું છે. તેને પગના આગળના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે જેને લીધે બોલિંગ કરતી વખતે તેને પગ દુખે છે.

સૂર્યાંશ શેડગે પણ હાર્દિકની માફક પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે. તે ભારત વતી તાજેતરમાં જ ત્રણ ટી-20 રમ્યો હતો. જૂન-જુલાઈ દરમ્યાન તે આયરલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને ઝિમ્બાબ્વે સામે એક-એક ટી-20 મૅચ રમ્યો હતો. આઇપીએલમાં તે પંજાબ કિંગ્સ વતી 12 મૅચ રમ્યો છે જેમાં તેણે કુલ 165 રન બનાવ્યા છે.

જૂનમાં શેડગેએ દામ્બુલામાં શ્રીલંકા-એ સામેની મૅચમાં ઇન્ડિયા-એ વતી 66 બૉલમાં 72 રન ખડકી દીધા હતા જેમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. એ મૅચ ટાઇ થઈ હતી અને શ્રીલંકા-એનો સુપર ઓવરમાં વિજય થયો હતો.