Tue Oct 06 2026

Logo

બૉલ સીધો બાઉન્ડરી લાઈનની બહાર પડ્યો તો પણ અમ્પાયરે સિક્સર ન આપી: જાણો, શા માટે

Vancouver   2026-10-05 13:11:19
Author: Ajay Motiwala
બૉલ સીધો બાઉન્ડરી લાઈનની બહાર પડ્યો તો પણ અમ્પાયરે સિક્સર ન આપી: જાણો, શા માટે

વેનકુવર: કૅનેડામાં ‘કૅનેડા સુપર60' નામની ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં રવિવારે પ્રથમ સેમિ ફાઇનલમાં એક અજબ કિસ્સો બની ગયો. બોલરે ફેંકેલો બૉલ ટપ પડ્યા બાદ એટલો ઉછળ્યો હતો કે સીધો બાઉન્ડરી લાઈનની બહાર (બૅટ્સમૅન છગ્ગો ફટકારે એ રીતે) ગયો હતો, પરંતુ અમ્પાયરે એમાં સિક્સર નહોતી આપી.

ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળતી હોય એવી એક ઘટનામાં અમેરિકાના ફાસ્ટ બોલર અલી ખાને વેસ્ટ ઈન્ડિઝના નિવૃત્ત બૅટ્સમૅન અને ટૉરન્ટો સિક્સર્સ નામની ટીમના ખેલાડી કિરૉન પૉલાર્ડને બાઉન્સર ફેંક્યો હતો.

આ બૉલ એટલો બધો શૉર્ટ પિચ હતો કે એમાં બૉલ ટપ પડ્યા પછી વિકેટકીપરના માથા પરથી સીધો બાઉન્ડરી લાઈનની બહાર ગયો હતો. બધા જોતા રહી ગયા હતા. ઘણાને લાગ્યું કે પૉલાર્ડના બૅટથી બૉલ ઘણો દૂર હતો તો પણ સીધો બાઉન્ડરીની બહાર કેવી રીતે પહોંચી ગયો? વાસ્તવમાં અલી ખાને પૉલાર્ડને ઉશ્કેરવા માટે જ આવો બૉલ ફેંક્યો હતો.

અમ્પાયરે મિસસૉઉગા માસ્ટર્સ નામની ટીમ વતી રમતા અલી ખાનના આ બૉલને વાઈડ જાહેર તો કર્યો હતો, પરંતુ ટપ પડ્યા પછી બૉલ સીધો બાઉન્ડરી લાઈનની બહાર પડ્યો એમ છતાં અમ્પાયરે એને વાઈડના એક રન ઉપરાંત ચાર બાય તરીકે જાહેર કર્યો હતો. ટૂંકમાં, ટૉરેન્ટો સિક્સર્સ ટીમને વધારાના પાંચ રન મળ્યા હતા.

ક્રિકેટનો નિયમ શું છે? મીડિયામાં ટ્રોલ થયો

ક્રિકેટના કાયદાઓના ગ્રંથમાં આ બાબતમાં એવો નિયમ છે કે કોઈ બૉલને જો બૅટ્સમૅનનું બેટ લાગ્યું હોય અને બૉલ સીધો બાઉન્ડરી (Boundary) લાઈનની બહાર ગયો હોય તો જ એમાં અમ્પાયર સિક્સર જાહેર કરી શકે. આ કિસ્સામાં અલી ખાને બેફામ ફેંકેલા બૉલને પૉલાર્ડ (Pollard)નું બૅટની કટ લાગવાની વાત તો દૂર રહી, એ બૉલ પૉલાર્ડથી ખૂબ ઊંચે દૂર હતો અને સીધો બાઉન્ડરીની બહાર પડ્યો હતો. એ રીતે અમ્પાયરે એને સિક્સર નહીં પણ ‘ફોર બાય' જાહેર કર્યા હતા. વાઈડ બૉલનો એક રન ઉમેરીને ટૉરેન્ટો સિક્સર્સની ટીમમાં એક્સ્ટ્રા તરીકે  કુલ પાંચ રન ઉમેરી દેવામાં આવ્યા હતા. આ નિયમ વિશે સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે આધુનિક ક્રિકેટમાં આવા કેટલાક જૂના નિયમોનું હવે કોઈ કામ નથી. એમાં ફેરફાર થવો જોઈએ.

ટી-10 મૅચમાં શું પરિણામ આવ્યું?

ટોરન્ટો સિક્સર્સ ટીમના પૉલાર્ડે માત્ર 14 બૉલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 40 રન ઝૂડી કાઢ્યા હતા. આ ટીમે નિર્ધારિત 10 ઓવરમાં ચાર વિકેટે 130 રન બનાવ્યા હતા. અલી ખાને બે ઓવરમાં બે વિકેટ લીધી હતી. મિસસૉઉગા માસ્ટર્સ ટીમ 10 ઓવરમાં સાત વિકેટે ફક્ત 121 રન બનાવી શકી હતી, ટૉરેન્ટોની ટીમનો નવ રનથી રોમાંચક વિજય થયો હતો અને આ ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.