અમરેલી: શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ મોડી રાત્રે આશ્ચર્યજનક નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં બની રહેલા નવા રોડની કામગીરીમાં કોઈ ગેરરીતિ ન થાય તે હેતુથી પ્રમુખે રાત્રે 11:30 વાગ્યે સીધા જ સાઈટ પર પહોંચીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
અધિકારીઓ કે ઈજનેરોના કાગળ પરના રિપોર્ટની રાહ જોયા વિના પાલિકા પ્રમુખે જાતે જ સ્થળ પર પહોંચી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રોડ નિર્માણમાં વપરાતી સામગ્રીનું સ્તર અને નક્કી કરેલા માપદંડો મુજબ કામ થાય છે કે નહીં તે ચકાસવા માટે તેમણે સ્થળ પર જ રોડનું માપ લઈ જાડાઈ અને ગુણવત્તાની ખાતરી કરી હતી.
મોડી રાત્રે પાલિકા પ્રમુખના આ આકસ્મિક ચેકિંગથી કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પ્રમુખે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે શહેરના વિકાસ કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.