સુરતઃ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં ભારે ધાંધલ-ધમાલ થઈ હતી.સુરતમાં મહિલા ક્રિકેટરને સિલેક્ટ કરવા માટે એસોસિએશનના હોદ્દેદારો ગંદી માગણી કરી હોવાનો આરોપ લાગતાં ચકચાર મચી ગઈ હતી. મહિલા ખેલાડી પાસે 'રાત્રે ચેટિંગ'ની માગણીથી લઈ કરોડોના નાણાકીય ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો હતો.
શું છે સમગ્ર મામલો
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં ભ્રષ્ટાચાર, ટેન્ડર વિનાના નાણાકીય વ્યવહારો, હિતોના ટકરાવ (કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ) અને ખાસ કરીને મહિલા સુરક્ષા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. બેઠકમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સભ્ય પ્રતીક શાહે આરોપ લગાવ્યો કે સંસ્થાના એક કોચે પસંદગીના બદલામાં મહિલા ખેલાડીને મેસેજ કરી શરત મૂકી હતી કે, જો ટીમમાં સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે. આ મામલો અગાઉ સેક્રેટરીના ધ્યાને લવાયો હોવા છતાં સંબંધિત કોચ સામે પગલાં લેવાને બદલે તેને બચાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે તેમની પાસે ક્રિકેટ પ્રશાસનની ગેરરીતિઓ, પુરાવા અને ફોન રેકોર્ડિંગ્સ ઉપલબ્ધ છે, જેને ટૂંક સમયમાં પોલીસ સમક્ષ રજૂ કરાશે.
આ ઉપરાંત ઓડિટ રિપોર્ટમાં ટેન્ડરિંગ પ્રક્રિયા ન થઈ હોવાની ઓડિટરની ગંભીર નોંધનો હવાલો આપતાં તેમણે જણાવ્યું કે, ISPL સાથે કોઈ ઔપચારિક કોન્ટ્રાક્ટ વગર જ વ્યવહાર કરાયો હતો. કોઈ પણ માન્ય ઇન્વોઇસ વિના સેક્રેટરીના અંગત ઈ-મેઈલ મારફતે કામકાજ કરીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું છે. વધુમાં, રૂ. 5 કરોડની મૂળ માગણી સામે સંસ્થાને માત્ર રૂ. 2.5 કરોડ જ મળ્યા છે અને તેને આખરી પેમેન્ટ તરીકે ખપાવી દેવાયું છે.
સુરતમાં 150 થી 200 જેટલી એકેડેમીઓમાં 50 થી 60 હજાર યુવાનો રમી રહ્યા છે, છતાં બહારના, બોગસ ડોમિસાઇલવાળા અને ઓવરએજ ખેલાડીઓને ઘુસાડવામાં આવતા હોવાથી દર વર્ષે 1000 થી 1500 સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓ અન્યાયનો ભોગ બનતા હોવાનું પણ જણાવ્યું હતું.
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈએ તમામ આક્ષેપોને નકારી કાઢતાં પાયાવિહોણા ગણાવ્યા હતા અને સંસ્થા તરફથી વિગતવાર ખુલાસો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહિલા ખેલાડી સાથે રાત્રે ચેટિંગનો મુદ્દો AGMમાં પહેલીવાર ઉઠાવવામાં આવ્યો છે. આજ દિન સુધી કોઈપણ મહિલા ખેલાડી કે તેમના વાલી તરફથી આવી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. સંસ્થા આવી બાબતોમાં ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. સેટઅપમાં મહિલા કોચ કાર્યરત છે અને ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીનું ચુસ્ત પાલન થાય છે. જો કોઈ પણ સભ્ય કે વ્યક્તિ નક્કર પુરાવા રજૂ કરશે, તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.