ભુજઃ પિતૃપક્ષની પૂર્ણાહુતિ થતાં જ કચ્છના પાટનગર ભુજની જૂની શાક માર્કેટ અને ઐતિહાસિક આશાપુરા મંદિર પરિસર સહિતના બજારોમાં નવરાત્રિ પર્વ નિમિત્તે માટીના ગરબાની ખરીદીનો માહોલ પૂરબહારમાં ખીલવા જઈ રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદ અને વાતાવરણના ભેજના કારણે ખુલ્લામાં સૂકવવા મૂકેલા હજારો કાચા ગરબા ઓગળી જવાથી સ્થાનિક કુંભાર કારીગરોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આધુનિક ‘જીગર-જોલી’ મશીનથી બનતા સસ્તા ગરબાઓનો પડકાર હોવા છતાં, કચ્છની પરંપરાગત હાથબનાવટ અને ડોટ પેઇન્ટિંગ પર ભરોસો રાખી કારીગરો બજારમાં આશાવાદ સેવી રહ્યા છે.
સમયના પરિવર્તન સાથે ગરબાની પસંદગીમાં પણ આધુનિકતા ભળી છે. માટીના પારંપરિક ૨૭ છિદ્રવાળા પૌરાણિક ગરબા ઉપરાંત હવે બજારમાં ₹૩૦૦થી ₹૩૫૦ની રેન્જમાં ઇકો-ફ્રેન્ડલી વોટર કલર, આભલાં (મિરરવર્ક), સાથિયા ડિઝાઈન અને બાંધણી પ્રિન્ટવાળા કસ્ટમાઇઝ્ડ ગરબાની ભારે માંગ જોવા મળી રહી છે. નિયાણીઓ માટે ₹૧૦૦ના નાના ગરબાથી માંડીને ગરબી મંડળો માટે અઢી ફૂટ ઊંચા ₹૩,૫૦૦ સુધીના કલાત્મક ગરબાઓ ઓર્ડરથી તૈયાર કરાઈ રહ્યા છે. આ ટ્રેન્ડથી સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક મહિલા આર્ટિસ્ટો માટે ઘેરબેઠા રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે.
ચાર પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોના જણાવ્યા અનુસાર, ભુજમાં તૈયાર થતા નવ અલગ-અલગ સાઈઝના ગરબાઓની માંગ મુંબઈ, સુરત, અમદાવાદ અને રાજકોટ સુધી રહે છે. કાચી માટીના વધેલા ભાવોને કારણે નફાનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં, હિન્દુ આસ્થાના પ્રતીક સમાન ગરબા અને દાંડિયાના નિર્માણમાં મુસ્લિમ કારીગરોનું પ્રદાન કચ્છની અનોખી કોમી એકતા અને પરંપરાગત સંસ્કૃતિની સુવાસ પ્રસરાવી રહ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)