Tue Oct 06 2026

Logo

રોજિંદા પ્રવાસ માટે ટુ-વ્હીલર વાપરવામાં ગુજરાત દેશની સરેરાશ કરતાં આગળ: 40 ટકા લોકો કરે છે ઉપયોગ

2026-10-06 10:58:00
Author: Mayur Patel
રોજિંદા પ્રવાસ માટે ટુ-વ્હીલર વાપરવામાં ગુજરાત દેશની સરેરાશ કરતાં આગળ: 40 ટકા લોકો કરે છે ઉપયોગ

અમદાવાદ: ગુજરાતમાં આશરે 40 ટકા લોકો રોજિંદા પ્રવાસ માટે ટુ વ્હીલર વાપરતાં હોવાનો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના સર્વેમાં ખુલાસો થયો છે. જે દેશમાં રોજિંદા પ્રવાસ માટે ટુ વ્હીલર વાપરતાં લોકોના પ્રમાણમાં વધારે છે. સર્વે મુજબ, ગુજરાતમાં 39.7 ટકા રોજિંદા પ્રવાસ માટે ટુ-વ્હીલર વાપરે છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 32.2 ટકા છે. ટુ-વ્હીલરના ઉપયોગમાં ગુજરાત દેશના રાજ્યોમાં નવમા ક્રમે રહ્યું છે. આ આંકડા ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં ટુ-વ્હીલરની નોંધપાત્ર હાજરી દર્શાવે છે.

મિઝોરમમાં સૌથી વધુ 72.8 ટકા લોકો ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે, જ્યારે પંજાબ અને તમિલનાડુ 49.8 ટકા સાથે ત્યારબાદના સ્થાને છે. ગુજરાતમાં કાર અને ઓટોરિક્ષાનો ઉપયોગ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ નોંધાયો છે. જોકે, રાજ્યમાં સાઇકલ અને બસનો ઉપયોગ કરતા લોકોનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું રહ્યું છે.

આ સર્વેમાં નોકરી-ધંધા અને શિક્ષણ અર્થે થતા પ્રવાસમાં લાગતા સમય અને નાણાંની વિગતો પણ આપવામાં આવી છે. ગુજરાતમાં એક વ્યક્તિને કાર્યસ્થળે પહોંચવા માટે સરેરાશ આશરે 23 મિનિટ લાગે છે, જ્યારે શૈક્ષણિક સંસ્થા સુધી પહોંચવાનો સરેરાશ સમય આશરે 20 મિનિટ છે. પ્રવાસ પાછળનો સરેરાશ ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 738 અને શહેરી વિસ્તારોમાં રૂ. 891 નોંધાયો હતો.

ગુજરાતના વિદ્યાર્થીઓ પૈકી આશરે 91 ટકા વિદ્યાર્થીઓ 30 મિનિટની અંદર પોતાની શૈક્ષણિક સંસ્થાએ પહોંચી જાય છે, જ્યારે 0.1 ટકા વિદ્યાર્થીઓએ 120 થી 150 મિનિટ જેટલો સમય લાગતો હોવાનું જણાવ્યું હતું.

સર્વે અનુસાર, 87.2 ટકા લોકો 30 મિનિટમાં પોતાના કાર્યસ્થળે પહોંચે છે, જ્યારે 10.5 ટકા લોકોને 30 થી 60 મિનિટનો સમય લાગે છે. અન્ય 1.6 ટકા લોકોને કામ પર પહોંચવા માટે 60 થી 90 મિનિટ અને બાકીના 0.6 ટકા લોકોને 90 મિનિટ કરતાં વધુ સમય લાગે છે.