મુંબઈ હિન્દમાતાથી ૪૨મા વર્ષે સાઇકલયાત્રીઓનું પ્રસ્થાન: સુરક્ષા કાજે પોલીસ દ્વારા રેડિયમ પટ્ટી લગાવાઈ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો શરૂ
ભુજ: અશ્વિન નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કચ્છના કુળદેવી મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે દર્શનાર્થે જતા માઇભક્તો અને પદયાત્રીઓનો અવિરત પ્રવાહ સૂરજબારી અને આડેસર રણ પાર કરી સામખિયાળી, ભચાઉ તેમજ દુધઈ માર્ગે આગળ વધી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ધોરીમાર્ગો પર સેવા કેમ્પો ધમધમી ઊઠ્યા છે. પદયાત્રીઓની રાત્રિ સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ તંત્ર દ્વારા યાત્રાળુઓની પીઠ પાછળ રેડિયમ પટ્ટી લગાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.
ભચાઉ પંથકમાં દાયકાઓથી ચાલતા અન્નક્ષેત્રો કાર્યરત બન્યા છે. ગુરુકૃપા હોટેલ નજીક છેલ્લાં ૧૬ વર્ષથી જડેશ્વર રોડવેઝ ગ્રુપ દ્વારા રતિભાઈ સોરઠિયા અને પરિવારજનો દ્વારા રોજના ૫૦૦થી ૭૦૦ પદયાત્રીઓ માટે ભોજન-વિરામ કેમ્પ ચલાવાઈ રહ્યો છે. આ ઉપરાંત રામદેવપીર મંદિર નજીક જહુમા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી અવિરત સેવા યજ્ઞ ચાલુ છે. રાજકોટના પડધરી તાલુકાના ખાખરાવેલાથી વનરાજાસિંહ મેરૂભા જાડેજા છેલ્લા ૨૯ વર્ષથી માથે ગરબો ધારણ કરી પગપાળા માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે.
સામખિયાળી આરટીઓ ચેકપોસ્ટ નજીક જિલ્લા પંચાયત સદસ્ય વિજયાસિંહ જાડેજા દ્વારા શરૂ કરાયેલા કેમ્પને રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ ખુલ્લો મૂકી સેવાની સરાહના કરી હતી. અંતરિયાળ ગામો વાડિયા, શિકારપુર, જંગી, આધોઈ, નેર પાબુદાદા મંદિર તેમજ કરોલ દોરીધામ ખાતે પણ માલધારી અને સ્થાનિક આગેવાનો દ્વારા યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.
બીજી તરફ, મુંબઈના હિન્દમાતા સ્થિત શ્રી આશાપુરા મિત્ર મંડળ દ્વારા સળંગ ૪૨મા વર્ષે માતાના મઢ તરફ સાઇકલ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દર વર્ષે ૧૧૧ સાઇકલયાત્રીઓ જોડાતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે કચ્છમાં નહિવત્ વરસાદની સ્થિતિને ધ્યાને લઈ ૧૧ સાઇકલવીરોને માતાજીની મહાઆરતી બાદ રવાના કરાયા હતા. આ મંડળ દ્વારા એકત્રિત ભંડોળ કચ્છના પશુધનની સેવા અર્થે અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉત્સવ વૈદ્ય