Tue Oct 06 2026

Logo

દુનિયાના નકશા પરથી નામોનિશાન નહીં રહે, ઇઝરાયેલ વિરોધી નિવેદન આપીને LeT માટે સમર્થન મેળવી રહ્યો છે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ કસૂરી

2026-10-06 10:30:00
Author: Mumbai Samachar Team
દુનિયાના નકશા પરથી નામોનિશાન નહીં રહે, ઇઝરાયેલ વિરોધી નિવેદન આપીને LeT માટે સમર્થન મેળવી રહ્યો છે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ કસૂરી

નવી દિલ્હીઃ પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ  અને આતંકવાદી જાહેર થયેલા સૈફુલ્લાહ કસૂરીએ ફરી ઝેર ઓક્યુ છે. તે ઇઝરાયેલ વિરોધી નિવેદન આપીને લશ્કર-એ-તૈયબા માટે સમર્થન મેળવી રહ્યો છે. તેણે કહ્યું કે પાકિસ્તાની સેના સાઉદી અરબના પવિત્ર સ્થળોની રક્ષા કરશે, જ્યારે ઇઝરાયેલને દુનિયાના નકશા પરથી હટાવી દેશે. 

ગયા અઠવાડિયે ખત્મ-એ-નબુવ્વત પરિષદમાં ભડકાઉ ભાષણ આપતાં કસૂરીએ પાકિસ્તાની સેનાને પ્રાદેશિક વિવાદોમાં એક સક્રિય ખેલાડી તરીકે રજૂ કરીને લોકોની લાગણીઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.

લશ્કર અને જૈશના આતંકીઓની હમાસના નેતાઓ સાથે બેઠક

આ વિગતો છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના વરિષ્ઠ સભ્યો તેમજ હમાસના સિનિયર નેતાઓ વચ્ચે યોજાયેલી અનેક હાઈ-લેવલ બેઠકોના સંદર્ભમાં સામે આવી છે. ગયા વર્ષે હમાસની એક ટીમે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર અને પાકિસ્તાની સેનાના એક મથકની મુલાકાત લીધી હતી.

હમાસના સિનિયર નેતાઓએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પીઓકેના રાવલકોટમાં કાશ્મીર એકતા દિવસ પર ભાષણ આપ્યું હતું. આ સભા 'અલ-અક્સા ફ્લડ'ના બેનર હેઠળ યોજવામાં આવી હતી. આ નામ જેરુસલેમની એ મસ્જિદ સાથે જોડાયેલું છે જેના પર યહૂદી અને મુસ્લિમ બંને પોતાનો દાવો કરે છે.

ફંડ એકત્ર કરવા અને યુવાઓની ભરતી પર ભાર મુકી રહ્યો છે કસૂરી

લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ કસૂરી પહેલગામની ઘટના બાદથી જ ફંડ એકત્ર કરવા અને યુવાનોની ભરતી કરવા માટે જાહેર સભાઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યો છે. ટેલિગ્રામ પર લશ્કર-સમર્થક એકાઉન્ટ્સ પર અપલોડ કરાયેલા વિડિયો અને તસવીરોમાં તેને આ તમામ સભાઓમાં શસ્ત્રોથી સજ્જ ગાર્ડ્સ અને ગણવેશધારી લોકોની સુરક્ષા વચ્ચે જોઈ શકાય છે.

માર્ચમાં કસૂરીએ કહ્યું હતું કે પાકિસ્તાન ક્યારેય અબ્રાહમ કરારનો સ્વીકાર કરશે નહીં અને મે મહિનાના અંતમાં લાહોરમાં એક રેલીમાં તેણે કહ્યું હતું કે ગયા વર્ષે કાશ્મીરમાં થયેલા હુમલા પછી તે વધુ પ્રખ્યાત થઈ ગયો છે.