Tue Oct 06 2026

Logo

ગાંધીનગરમાં આપના ક્યા ઉમેદવારે પલટી મારીને ભાજપને ટેકો આપી દીધો ?

2026-10-06 11:16:00
Author: Mayur Patel
ગાંધીનગરમાં આપના ક્યા ઉમેદવારે પલટી મારીને ભાજપને ટેકો આપી દીધો ?

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. આ દરમિયાન ગાંધીનગરમાં આપના એક ઉમેદવારે પલટી મારીને ભાજપનો ટેકો આપી દીધો હતો. ગાંધીનગરના વોર્ડ નંબર-7 ના આમ આદમી પાર્ટીના  ઉમેદવાર રાહુલ વાઘેલાએ પક્ષની અપરિપક્વ જેવી વિચારધારાને ફંગોળીને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું.

ગાંધીનગરના કોલવડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપના ઉમેદવાર રાહુલ વાઘેલાએ કેસરિયો ખેસ પહેરી લીધો હતો. ચૂંટણી ટાણે જ પોતાના ઉમેદવારે પક્ષપલટો કરતાં આપને ફટકો પડ્યો હતો.ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં આપ સામે શરૂઆતથી જ મુશ્કેલીઓ આવી રહી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી વખતે પાર્ટીના ત્રણ મહત્ત્વના ઉમેદવારોના ફોર્મ રદ થઈ ગયા હતા. આ ઉપરાંત, પક્ષના બે ઉમેદવારો કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા હોવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

વોર્ડ નં-૭ માં હવે જંગ વધુ રસાકસીભર્યો

આ તમામ મુશ્કેલીઓ વચ્ચે વોર્ડ નંબર-7 માં આપને વધુ એક ફટકો પડ્યો હતો. અહીં પહેલા પાર્ટીના ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ રાહુલ વાઘેલા ભાજપમાં જતા રહેતાં હવે માત્ર બે જ ઉમેદવાર બચ્યા છે. બીજી તરફ રાહુલ વાઘેલાના આવવાથી આ વોર્ડમાં ભાજપનું પલડું ભારે થઈ ગયું છે. આ ફેરફાર બાદ ગાંધીનગરમાં ચૂંટણીનો મુકાબલો વધુ રસપ્રદ બની ગયો છે.

ક્યારે છે ચૂંટણી
ગાંધીનગર મનપાનું 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.