Tue Oct 06 2026

Logo

ગીર ગઢડા બાદ હવે નવસારીમાં દીપડાનો આતંક, બાળકને દીપડો ઉઠાવી ગયો: ઘરથી 500 મીટર દૂર ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ

2026-10-06 12:31:00
Author: Mumbai Samachar Team
ગીર ગઢડા બાદ હવે નવસારીમાં દીપડાનો આતંક, બાળકને દીપડો ઉઠાવી ગયો: ઘરથી 500 મીટર દૂર ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ

ત્રણ દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ગીર ગઢડામાં દીપડો 3 વર્ષના બાળકને ઉઠાવી ગયા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ દીપડાનો આંતક જોવા મળ્યો છે. નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામે આંગણામાં રમી રહેલા અઢી વર્ષના બાળકને દીપડો જંગલમાં ખેંચી ગયો હતો. વન વિભાગ અને ગ્રામજનો દ્વારા હાથ ધરાયેલી વ્યાપક શોધખોળ બાદ વહેલી સવારે ઘરથી 500 મીટર દૂર બાળકનો ક્ષત-વિક્ષત હાલતમાં જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ સ્થાનિક રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે.

દીપડાએ અચાનક કર્યો હુમલો

ઘરના આંગણે રમતી વખતે બની ઘટના ભીનાર ગામે રહેતા અરૂણ પટેલના અઢી વર્ષનો પુત્ર આરવ ઘરના આંગણામાં રમતો હતો. તે જ સમયે જંગલ વિસ્તાર નજીકથી આવેલા એક ખૂંખાર દીપડાની નજર માસૂમ બાળક પર પડી હતી. દીપડાએ તેને શિકાર સમજીને અચાનક હુમલો કર્યો હતો. તેમજ પળભરમાં બાળકને ઉઠાવી અંધારામાં જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. બાળક અચાનક ગુમ થઈ જતા પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, જોકે, બાળકને દીપડો લઈ ગયો હોવાની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

મશાલ અને લાકડા સાથે જંગલમાં રેસ્ક્યુ ઓપરેશન આ ઘટનાને પગલે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગામના યુવાનો અને વનકર્મીઓએ હાથમાં મશાલ, ટોર્ચ અને લાકડા લઈને ભીનારના ગાઢ જંગલ વિસ્તારમાં બાળકની સઘન શોધખોળ આરંભી હતી. અંધારી રાતમાં જીવના જોખમે જંગલ ખૂંદવામાં આવ્યું હતું.

પરિવારજનોનું હૈયાફાટ રુદન

કલાકોની ભારે જહેમત બાદ આરવ પટેલનો મૃતદેહ તેના ઘરથી નજીક મળી આવ્યો હતો. એકના એક પુત્રનું મોત થતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગે તાત્કાલિક જંગલ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા માટે 10 થી વધુ પાંજરાઓ ગોઠવી દીધા છે.

ધરમપુર, વલસાડ નોર્થ ફોરેસ્ટ ડિવિઝનના ACF બગીરથસિંહ ઝાલાએ જણાવ્યું કે, તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફ પોલીસ વિભાગ સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયા હતા. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની ઇન્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પ્રોગ્રેસમાં છે. જે એનિમલ છે, તેને પકડવા માટે તાત્કાલિક પાંચ ટીમો બનાવી છે અને રેસ્ક્યૂ હાથ ધર્યું છે.

સ્થાનિકોમાં રોષ અને સુરક્ષાની માંગ

ભીનાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાની દહેશત વધી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે વન વિભાગને રજૂઆતો કરાઈ હતી, પરંતુ વન વિભાગે સમયસર યોગ્ય પગલાં ન લેવાને કારણે આજે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલ વન વિભાગે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને દીપડો પકડાય નહીં ત્યાં સુધી ગ્રામજનોને રાત્રે ઘરની બહાર ન નીકળવાની સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.