Tue Oct 06 2026

Logo

નવી મુંબઈ એરપોર્ટથી પુણે અને મુંબઈની મુસાફરી થશે સરળ: શરૂ થશે ઈ-બસ સેવા

2026-10-06 17:31:54
Author: Mumbai Samachar Team
નવી મુંબઈ એરપોર્ટથી પુણે અને મુંબઈની મુસાફરી થશે સરળ: શરૂ થશે ઈ-બસ સેવા

મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈના મુસાફરોને હવે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અલગ-અલગ વિસ્તારોમાં પહોંચવું વધુ સરળ બનશે. હવે એરપોર્ટ પરથી એમએસઆરટીસી ની 'ઈ-શિવાઈ' ઈલેક્ટ્રિક બસ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોને ફ્રી શટલ સર્વિસ અને પ્રાઈવેટ બસોની સુવિધા પણ મળશે. ૭ ઓક્ટોબર, ૨૦૨૬થી એમએસઆરટીસીની આ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. આ બસ દ્વારા મુસાફરોને દાદર વેસ્ટ, બોરીવલી અને પુણે જવાની સુવિધા મળશે.

​એરપોર્ટ પરથી દાદર જવા માટેની ટિકિટ ૧૭૦ રૂપિયા રહેશે, બોરીવલી માટે ૨૧૦ રૂપિયા અને પુણે માટે ૪૫૦ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. દાદર જતી બસ સાયન અને અટલ સેતુ થઈને જશે. તેમજ બોરીવલીની બસ પણ અટલ સેતુ પરથી જ દોડશે.

​આ નવી બસ સેવામાં કેટલાક મુસાફરોને ભાડામાં રાહત આપવામાં આવશે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ દ્વારા મુસાફરી કરતી મહિલાઓને ટિકિટના દરમાં ૫૦ ટકા છૂટ આપવામાં આવી છે. આ સુવિધાને લીધે મુસાફરો માટે એરપોર્ટ સુધી પહોંચવું વધુ સરળ બનશે. થાણે અને નાસિક માટે પણ બસ સેવા શરૂ કરવાની યોજના છે. આ સેવા આ વર્ષે નવેમ્બર મહિનાના મધ્ય સુધીમાં શરૂ થવાની શક્યતા છે.

નવી મુંબઈ એરપોર્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે દર કલાકે મુસાફરો માટે મફત શટલ સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, બેસ્ટ દ્વારા એરપોર્ટથી અંધેરી ઈસ્ટ (મરોલ), બાંદ્રા, દાદર અને કોલાબા (વર્લ્ડ ટ્રેડ સેન્ટર) માટે દરરોજ બસો દોડાવવામાં આવશે. ખારઘર, બેલાપુર, નેરુળ, પનવેલ અને ખાંદેશ્વર જેવા નવી મુંબઈના મુખ્ય વિસ્તારો માટે પણ નિયમિત બસ સુવિધા મળશે.