Tue Oct 06 2026

Logo

શહેરનાં સાત દવાખાનાં પર કાર્યવાહી કરી 10 બોગસ ડૉક્ટરની ધરપકડ

2026-10-06 17:23:45
Author: Yogesh C. Patel
શહેરનાં સાત દવાખાનાં પર કાર્યવાહી કરી 10 બોગસ ડૉક્ટરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખોલવામાં આવેલાં સાત દવાખાનાં પર કાર્યવાહી કરી ક્રાઈમ બ્રાન્ચે 10 કથિત બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી. તબીબી ક્ષેત્રની કોઈ પણ ડિગ્રી ન હોવા છતાં ડૉક્ટરો ગુપ્ત રોગો પર અકસીર ઇલાજને નામે આ દવાખાનાંમાં દરદીઓની સારવાર કરતા હતા.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ શેખ મોહમ્મદ અન્વર મોહમ્મદ અસલમ, મોહમ્મદ નબી હુસેન મોહમ્મદ ફરીદ શેખ, ઈમરાન અબ્દુલ જબ્બાર ખાન, દયાશંકર હુબલાલ સિંહ, ઝુનેદ હસ્માતુલ્લાહ સિદ્દીકી, શહાબુદ્દીન નિઝામુદ્દીન શેખ, નાવેદ જાહેદ ખાન, રાશિદ હુસેન બેગ, રાશિદ હુસેન અફઝલ હુસેન શેખ, નિહાલ અરાફત હુસેન શેખ તરીકે થઈ હતી.

તબીબી ક્ષેત્રની કોઈ પણ શાખાની ડિગ્રી મેળવ્યા વિના ક્લિનિક્સમાં દરદીઓની સારવાર કરવામાં આવતી હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે બોરીવલી, દહિસર, જોગેશ્ર્વરી, ભાંડુપ, માનખુર્દ અને કુર્લામાં આવેલાં દવાખાનાઓ પર કાર્યવાહી કરી હતી. એલોપથી, આયુર્વેદિક અને યુનાની ઈલાજથી ગુપ્ત રોગની સારવારનો દાવો આરોપીઓ દ્વારા કરવામાં આવતો હતો.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તબીબી ક્ષેત્રની કોઈ પણ માન્ય ડિગ્રી કે મહારાષ્ટ્ર મેડિકલમાં રજિસ્ટર્ડ ન હોવા છતાં આરોપી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. ગુપ્ત રોગ અને અન્ય બીમારીની સારવારને બહાને દરદીઓ પાસેથી નાણાં પડાવવામાં આવતાં હતાં. અમુક ક્લિનિકમાં તો એક્સપાયરી ડેટ પૂરી થયા છતાં યુનાની અને આયુર્વેદિક દવા દરદીઓને આપવામાં આવતી હોવાનું જણાયું હતું.

પોલીસે દવાખાનાંમાંથી વિવિધ પ્રકારની દવાઓની બૉટલ્સ, સિરિન્જ, એન્ટિબાયોટિક ટેબ્લેટ્સ તેમ જ તબીબી સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આરોપીઓ વિરુદ્ધ ભાંડુપ પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.