Tue Oct 06 2026

Logo

84 વર્ષ બાદ મુંબઈ એરપોર્ટનું આ ટર્મિનલ થશે બંધ, કરોડો મુસાફરો માટે આવ્યા મહત્ત્વના સમાચાર! અત્યારે જ જાણી લો નહીંતર...

2026-10-06 17:13:36
Author: Darshana Visaria
84 વર્ષ બાદ મુંબઈ એરપોર્ટનું આ ટર્મિનલ થશે બંધ, કરોડો મુસાફરો માટે આવ્યા મહત્ત્વના સમાચાર! અત્યારે જ જાણી લો નહીંતર...

મુંબઈઃ મહારાષ્ટ્ર અને દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ પૈકીના એક એવા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પરથી હવાઈ મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુંબઈ એરપોર્ટના ઐતિહાસિક ટર્મિનલ-૧ (T1) નો સંપૂર્ણ પુનર્વિકાસ (Redevelopment) થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે લગભગ ૮૪ વર્ષ બાદ ઓક્ટોબરના અંત સુધીમાં T1 ને પેસેન્જર સેવાઓ માટે બંધ કરવામાં આવશે.

ટર્મિનલ-1ના ઉત્તર ભાગને તોડી પાડવાનું કામ 15મી જાન્યુઆરી, 2027થી શરૂ થશે. તેના સ્થાને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. ત્યાં સુધી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને તબક્કાવાર રીતે મુંબઈના ટર્મિનલ-2 (T2) અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પર શિફ્ટ કરવામાં આવી રહી છે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) દ્વારા એર ટ્રાફિકને T2 અને નવી મુંબઈ વચ્ચે વહેંચવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે. પહેલી ઓક્ટોબરથી કુલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી ઓછામાં ઓછો એક તૃતીયાંશ (1/3rd) હિસ્સો નવી મુંબઈ એરપોર્ટ (NMIA) ખાતે ખસેડવામાં આવી રહ્યો છે. 

ત્યાર બાદ બીજા તબક્કામાં 25મી ઓક્ટોબરના T1 પરથી સંચાલિત સ્થાનિક એર ટ્રાફિકનો એક તૃતીયાંશ ભાગ T2 પર શિફ્ટ થશે. 15મી જાન્યુઆરી, 2027ના રોજ ડિમોલિશન શરૂ થાય તે પહેલાં એરલાઈન્સ કંપનીઓને અંદાજે સાડા ત્રણ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ આપવામાં આવ્યો છે.

પશ્ચિમી ઉપનગરો અને મુંબઈ શહેરના મુસાફરોને જો નવી મુંબઈ એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડવાની થશે, તો તેમને વધારાના રોડ ટ્રાવેલનો સામનો કરવો પડશે. લાંબા અંતરને કારણે કેબ કે ખાનગી વાહનોનો મુસાફરી ખર્ચ વધશે. સાથે જ મુંબઈ-નવી મુંબઈને જોડતા હાઇવે અને અટલ સેતુ (MTHL) પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે.

હાલ મુંબઈ એરપોર્ટ પર એક જ મુખ્ય એક્ટિવ રનવે પરથી તમામ ફ્લાઇટ્સ ઓપરેટ થાય છે. હવાઈ ટ્રાફિક નવી મુંબઈ તરફ ડાયવર્ટ થવાથી રનવે પર લેન્ડિંગ માટે ચક્કર લગાવતા વિમાનોનો હોલ્ડિંગ ટાઇમ ઘટશે અને ટેકઓફ પુશબેક ઝડપી બનશે. એરક્રાફ્ટ કન્જેશન ઘટવાથી ફ્લાઇટ્સ મોડી પડવાની સમસ્યામાં મોટો ઘટાડો થશે. ઉપરાંત ખાનગી અને ચાર્ટર વિમાનોનું ઓપરેશન પણ નવી મુંબઈ તરફ શિફ્ટ થતાં મુસાફરોને મોટી રાહત મળશે.

વાત કરીએ ટર્મિનલ-1નો પુનર્વિકાસ કેમ જરૂરી બન્યો એની તો ટર્મિનલ-1 આશરે 80થી 84 વર્ષ જૂનું છે અને તેની માળખાકીય ક્ષમતા વાર્ષિક માત્ર દોઢ કરોડ મુસાફરોને સંભાળવાની છે (જ્યારે T2ની ક્ષમતા ચાર કરોડ પ્રવાસીઓની છે). ભવિષ્યની જરૂરિયાતો અને આધુનિક પેસેન્જર સુવિધાઓને પહોંચી વળવા માટે ટર્મિનલ-1Bના ઉત્તર ભાગને સંપૂર્ણ આધુનિક ટર્મિનલ તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે.