લખનઊઃ 15 વર્ષના ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશીએ 2026ની આઇપીએલમાં સૌથી વધુ 776 રન બનાવ્યા હતા અને સૌથી વધુ 72 છગ્ગા ફટકાર્યા ત્યાર પછી તેણે આંતરરાષ્ટ્રીય ટી-20માં ડેબ્યૂ તો કર્યું, પરંતુ ધારણા જેવું રમ્યો નથી એમ છતાં તેની કાબેલિયત અને ક્ષમતા જોતાં એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલે વૈભવના છ મોટા ટી-20 મોમેન્ટ્સના બ્લાઇન્ડ રૅન્કિંગ (Ranking) કર્યા છે.
લખનઊમાં મંગળવારની વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની પ્રથમ ટી-20માં વૈભવને રમવા મળશે કે નહીં એ વિશે મૅચના કલાકો પહેલાંથી ચર્ચા હતી ત્યારે પ્રખ્યાત ટીવી ચૅનલે તેની સામે ક્રિકેટના એવા છ મોટા અને રોમાંચક પરાક્રમ મૂક્યા હતા અને તેને પૂછ્યું હતું કે એમાંથી તે પહેલાં કયા પરાક્રમ હાંસલ કરવા પ્રયાસ કરશે.
Vaibhav Sooryavanshi is ready to manifest some BIG T20I moments! 😎🏏 Will his No. 1 pick stay on top? 👇 Watch him in #INDvWI, 1st T20I 👉 TUE, 6th OCT, 6 PM https://t.co/gu6aFAjkR2
— Star Sports (@StarSportsIndia) October 5, 2026
`બૅબી બૉસ' તરીકે જાણીતા વૈભવ (Vaibhav)ને `ધિસ ઇઝ બ્લાઇન્ડ રૅન્કિંગ...બોલ્ડ મેનિફેસ્ટેશન્સ'માં છ વિશેષ પળ (ખાસ સિદ્ધિ)માંથી પોતાની પસંદગીની સંભવિત સિદ્ધિ તરીકે ક્રમવાર ગોઠવવાનું કહેવામાં આવ્યું હતુંઃ (1) એક ઓવરમાં છ સિક્સર (2) ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી ઝડપી સેન્ચુરી (3) સૌથી લાંબી સિક્સર (4) ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ભારત વતી સૌથી વધુ સેન્ચુરી (5) અંતિમ બૉલ પર મૅચ-વિનિંગ છગ્ગો અને (6) યાદગાર કૅચ.
વૈભવને આ છ મોટી સંભવિત સિદ્ધિમાં પોતે કોને સૌથી આગળ રાખશે અને કોને પાછળ રાખશે? એવું પૂછવામાં આવતાં તેણે જે જવાબ આપ્યા એને કારણે આ `બ્લાઇન્ડ રૅન્કિંગ' વધુ રોમાંચક થઈ ગયું હતુંઃ
(1) છ બૉલમાં છ છગ્ગાઃ વૈભવ સૂર્યવંશી વર્તમાન ટી-20 ક્રિકેટનો સૌથી વિસ્ફોટક બૅટ્સમૅન ગણાય છે. તે ઇનિંગ્સની શરૂઆતથી જ પાવર-હિટિંગ શૉટ માટે જાણીતો છે એ જોતાં તેણે પોતાના સંભવિત છ પરાક્રમમાં છ સિક્સરના આ પરાક્રમને સૌથી આગળ રાખ્યું એ ખૂબ રસપ્રદ અને સમજી શકાય એવી બાબત છે.
(2) ફાસ્ટેસ્ટ ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરીઃ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી 35 બૉલમાં ભારતનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બની ચૂકેલો વૈભવ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બની જશે તો નવાઈ નહીં લાગે. આંતરરાષ્ટ્રીય રેકૉર્ડ-બુકમાં એસ્ટોનિયાના ભારતીય મૂળના ખેલાડી સાહિલ ચૌહાણનો 27 બૉલની સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ છે. જોકે મોટા દેશોની મૅચોમાં તાજેતરમાં જ અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે 30 બૉલની ફાસ્ટેસ્ટ સદીનો વિશ્વવિક્રમ રચ્યો હતો જેમાં તેની અગિયાર સિક્સર અને નવ ફોર સામેલ હતી.
(3) સૌથી લાંબી સિક્સરઃ ન્યૂ ઝીલૅન્ડના માર્ટિન ગપ્ટિલનો 127 મીટર લાંબી સિક્સરનો 14 વર્ષ જૂનો વિશ્વવિક્રમ હજી નથી તૂટી શક્યો. જોકે આ રેકૉર્ડ તોડવાની ક્ષમતા ટીનેજ-સ્ટાર વૈભવમાં છે.
(4) ભારત માટે સૌથી વધુ ટી-20 સેન્ચુરીઃ વૈભવ માંડ 15 વર્ષનો છે અને હજી ઘણા વર્ષો સુધી રમશે એવી આશા છે. જોકે તેણે ફૉર્મ અને ફિટનેસ જાળવી રાખવા પડશે અને ટીમ ઇન્ડિયામાં સ્થાન ટકાવી રાખવું પડશે. આવું થશે તો જ તે સૌથી વધુ સદીકર્તા બની શકશે.
(5) અંતિમ બૉલ પર વિનિંગ સિક્સરઃ વૈભવ ઓપનર છે એટલે ઇનિંગ્સના છેલ્લા બૉલ પર તે સિક્સર ફટકારે એ બનવું મુશ્કેલ છે. જો કોઈ કારણસર મૅચ પાંચ કે દસ ઓવરની થશે અને લક્ષ્યાંક મેળવવા જતાં વૈભવ છેક સુધી સ્ટ્રાઇક પર હશે તો આ સિદ્ધિ તેના નામે થઈ શકે. બાકી તો, તે ઓપનિંગમાં આવીને `સ્ટાર્ટ ટુ ફિનિશ' કરશે તો પણ નવાઈ નહીં લાગે.
(6) યાદગાર કૅચઃ વૈભવના શરીરનું વજન સામાન્ય રીતે હોવું જોઈએ એના કરતાં થોડું વધુ છે, પણ તેણે તાજેતરની કેટલીક મૅચોમાં બે-ત્રણ સારા કૅચ ઝીલીને ઍથ્લીટ જેવી ચપળતાની ઝલક કરાવી હતી. બૅટિંગ ઉપરાંત ફીલ્ડિંગમાં પણ તેની પાસે આ પરાક્રમની અપેક્ષા રાખવામાં આવશે.