વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ અને તેમનો આશ્રમ છેલ્લાં કેટલાક સમયથી ત્યાંના આધ્યાત્મિક માહોલને કારણે નહીં પણ વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. પહેલાં આશ્રમમાં રહેતાં અનુયાયીની આત્મહત્યા, ત્યાર બાદ 17 વર્ષના એક કિશોરનું ગુમ થવું અને અને હવે આ વિવાદોમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ જોડાઈ રહ્યું છે. હાલમાં વિરાટને આશ્રમમાં બોલાવવા માટે પાંચ કરોડની ચૂકવણી કરવામાં આવી હોવાનો દાવો કરાતો પત્ર સામે આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
દેશ-વિદેશના લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સંત પ્રેમાનંદ મહારાજનો આશ્રમ ફરી એકવાર ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. 'શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટ'ના અધ્યક્ષ ફલાહારી મહારાજ (Falahari Maharaj) દ્વારા લખવામાં આવેલા એક વિવાદાસ્પદ પત્રને પગલે ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં મોટો ભૂકંપ આવ્યો છે.
આ પત્રમાં ફલાહારી મહારાજે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું નામ લઈને સૌથી મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. જોકે, આ પત્રમાં કરાયેલા દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આક્ષેપોની ગંભીરતાને જોતાં આ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અહીંયા તમારી જાણકારી માટે કે વિરાટ કોહલી અવારનવાર પત્ની અનુષ્કા શર્મા સાથે આ આશ્રમી મુલાકાત લે છે અને એના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે.
ફલાહારી મહારાજે પોતાના પત્રમાં આક્ષેપ કર્યો છે કે, આશ્રમની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા વધારવા માટે રાજસ્થાનની એક કંપની દ્વારા વિરાટ કોહલીને આશરે રૂપિયા પાંચ કરોડ ચૂકવીને આશ્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. પત્રમાં વધુમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ પીઆર કંપની સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદ લોકો બાદમાં સાધુનો વેશ ધારણ કરીને આશ્રમમાં પ્રવેશી ચૂક્યા છે અને તેઓ હવે આસપાસની કરોડોની જમીન તથા પ્રોપર્ટીના સોદાઓમાં સંડોવાયેલા છે.
ફલાહારી મહારાજ દ્વારા એવો આક્ષેપણ પણ લગાવવામાં આવ્યો છે કે વૃંદાવન અને ન્યૂ બેલવન આશ્રમની આસપાસ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને યમુના નદીના ફ્લડ પ્લેન (પૂરગ્રસ્ત ક્ષેત્ર)માં જમીનોનું ગેરકાયદેસર ખરીદ-વેચાણ સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી ચાલી રહ્યું છે.
પત્રમાં જમીન પચાવી પાડવા ઉપરાંત બાળકો ગુમ થવા અને કિડની ચોરી જેવા અત્યંત સનસનાટીભર્યા આરોપોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોનું સત્ય બહાર લાવવા માટે તેમણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગણી કરી છે.
આક્ષેપો વચ્ચે ફલાહારી મહારાજ દ્વારા સપષ્ટતા કરવામાં આવી છે કે પૂજ્ય પ્રેમાનંદ મહારાજ પોતે સનાતન હિન્દુ ધર્મના એક પરમ આદરણીય સંત છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે આશ્રમની આસપાસ સક્રિય કેટલાક સ્વાર્થી તત્વો મહારાજશ્રીની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે પ્રેમાનંદ મહારાજને આવા તત્વોથી સાવચેત રહેવા અનુરોધ કર્યો છે અને સરકાર સમક્ષ સંત પ્રેમાનંદ મહારાજની વ્યક્તિગત સુરક્ષા વધારવાની પણ માંગ કરી છે.
જોકે, આ બાબતે અત્યાર સુધી માત્ર ફલાહારી મહારાજના પત્રમાં કરાયેલા દાવાઓ પૂરતો સીમિત છે. આ આક્ષેપ અને આરોપ સંદર્ભે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ (FIR), કાનૂની કાર્યવાહી કે અધિકૃત તપાસ શરૂ કરાઈ નથી. આશ્રમ પ્રશાસન કે વિરાટ કોહલી તરફથી પણ આ મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.