અમદાવાદ : ગુજરાતથી જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓ માટે નવરાત્રી પૂર્વે સારા સમાચાર આવ્યા છે. જેમાં સાબરમતી જમ્મુ તાવી એક્સપ્રેસના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 18 ઑક્ટોબરના રોજ ટ્રેન નંબર 19223 સાબરમતી જમ્મુ તાવી એક્સપ્રેસ હવે જમ્મુના સ્થાને માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન સુધી જશે. તેમજ ટ્રેન નંબર 19224 20 ઓક્ટોબરે કટરાથી સાબરમતી સુધી આવશે. ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે 45 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન જાય છે.
શ્રદ્ધાળુઓ સમય અને નાણાંની બચત થશે
આ અંગે મળતી માહિતી મુજબ સાબરમતી જમ્મુ તાવી એક્સપ્રેસ અત્યાર સુધી જમ્મુ તાવી સ્ટેશન સુધી જ જતી હતી. જેના લીધે કટરા સ્થિત બાણગંગા બેઝ કેમ્પ સુધી જવા માટે શ્રદ્ધાળુઓએ 50 કિલોમીટરનું અંતર કાપવા માટે અલગથી વ્યવસ્થા કરવી પડતી હતી. જેના લીધે વડીલો અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ જમ્મુ તાવીથી કટરા જવા વધારાનો ખર્ચ પણ કરવો પડતો હતો. જેના લીધે હવે આ ટ્રેન સુધી કટરા પહોંચશે જેના લીધે શ્રદ્ધાળુઓ સમય અને નાણાંની બચત થશે.
પાંચ રાજ્યોના શ્રદ્ધાળુઓને ફાયદો
સાબરમતી જમ્મુ તાવી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર રાજ્યના વિવિધ પ્રમુખ સ્ટેશનો પરથી પસાર થશે. જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં આ ટ્રેન સાંભા,બારી બ્રાહ્મણ અને શહીદ કેપ્ટન તુષાર મહાજન (ઉધમપુર) સ્ટેશનો પર પણ રોકાશે.
કટરા રેલવે સ્ટેશન બેઝ કેમ્પ બાણગંગાની નજીક
ઉલ્લેખનીય છે કે, કટરા રેલવે સ્ટેશન સીધું વૈષ્ણોદેવીની ચઢાઈના મુખ્ય બેઝ કેમ્પ એટલે કે બાણગંગાની નજીક આવેલું છે. સ્ટેશન પરિસરમાં જ યાત્રા રજીસ્ટ્રેશન કાઉન્ટર, ક્લોક રૂમ, પ્રી-પેડ ઓટો અને હોટેલ જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત અહીંથી તારાકોટ માર્ગ, બાણગંગા અથવા સાંઝી છત માટે હેલિપેડ કે રોપવે પોઈન્ટ સુધી પહોંચવું પણ સરળ છે.