ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ હેઠ ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. આ અંર્તગત હાલમાં બે અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા બાદ હવે મહેસૂલ પંચના પ્રમુખ અતુલકુમાર આઈ. રાવલને પદ પરથી હટાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંગે સરકારે બે અલગ અલગ નોટિફિકેશન દ્વારા તેમને ફરજમુક્ત કર્યા હતા. જ્યારે હાલ પંચના સભ્ય પી.એસ. કાલાને પ્રમુખપદનો વધારાનો ચાર્જ સોંપ્યો છે.
આ નિર્ણયની અસર આજથી જ લાગુ
મહેસૂલ વિભાગના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ એક્ટ, 1957ની કલમ 4 અને 20, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ રૂલ્સ, 1982ના નિયમ 4(4) તથા અન્ય સત્તાઓ હેઠળ અતુલકુમાર આઈ. રાવલની સેવાઓનો અંત લાવવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ તેમને 5 ઓક્ટોબર, 2026થી ગુજરાત મહેસૂલ પંચના પ્રમુખ પદેથી મુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે આ નિર્ણયની અસર આજથી જ લાગુ થઈ છે.
મહેસૂલ પંચમાં મોટો વહીવટી ફેરફાર થયો
જોકે, તેની બાદ સરકાર દ્વારા બીજા નોટિફિકેશનથી ગુજરાત મહેસૂલ પંચના સભ્ય પી.એસ. કાલા હવે ગુજરાત મહેસૂલ પંચના પ્રમુખ પદનો વધારાનો ચાર્જ સંભાળશે. પી.એસ. કાલા આગામી આદેશ સુધી પ્રમુખ તરીકેની વધારાની જવાબદારી નિભાવશે. આમ, રાજ્યમાં ઓપરેશન ગંગાજળ અંતર્ગત ગુજરાત મહેસૂલ પંચમાં મોટો વહીવટી ફેરફાર થયો છે.