Wed Oct 07 2026

Logo

જો બધા જ નિર્દોષ તો પછી કેરલમમાં હાઈડ્રોઈલેક્ટ્રિક કૌભાંડ થયું કેમ?

2026-10-07 08:06:01
Author: Praful Shah
જો બધા જ નિર્દોષ તો પછી કેરલમમાં હાઈડ્રોઈલેક્ટ્રિક કૌભાંડ થયું કેમ?

પ્રફુલ શાહ

કેરલમના હાઈડ્રોઈલેક્ટ્રિક સ્કેમ તરીકે બદનામ થયેલા એસ.એન.સી.-લાવાલીન પ્રોજેક્ટ કેસમાં ચર્ચાને ચકડોળે રાજકારણી એટલે પિનરાઈ વિજયન. 

1995માં કેરલમના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડે કેનેડિયન કંપની એસ.એન.સી.- લાવાલીન સાથે રાજ્યના ત્રણ જૂના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના આધુનિકીકરણ માટે કરાર કર્યા હતા. આ પિનરાઈ વિજયન 1996માં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર સત્તામાં આવી ત્યારે વીજ મંત્રી હતા. 1997માં તેમના જ કાર્યકાળ દરમિયાન કરારને આગળ વધારી ઈક્વિપમેન્ટ અને એન્જિનિયરિન્ગ સર્વિસીસ માટેના કરારમાં ફેરવી નાખવા આવ્યો હતો. તેથી આ કેસમાં વિજયનની ભૂમિકા તપાસના બિલોરી કાચ હેઠળ આવી હતી. 

પિનરાઈ વિજયન વિરુદ્ધ કેન્દ્રીય તપાસ સંસ્થા સી.બી.આઈ.ની કાર્યવાહી થઈ હતી, પરંતુ અંતે ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઈ કોર્ટના તબક્કે તેમને કઈ થયું નહોતું. ત્યાર બાદ સી.બી.આઈ.ની અપીલ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. આ રીતે કાયદાની રીતે પિનરાઈ વિજયન ભ્રષ્ટાચાર માટે દોષિત ઠર્યા નહોતા. 

આ કરાર (કે કહો પરિવર્તિત કરારો)માં પૈસાનો ખૂબ મોટો વિવાદ હતો. આ કરારની મૂળ કિંમત અને અંતિમ ખર્ચ અંગે વિવિધ આંકડા કેસના જુદા તબક્કે સામે આવ્યા જે વીજળીના આંચકા સમાન હતા. એક ન્યાયિક દસ્તાવેજ મુજબ એકમાંથી ત્રણ થયેલા પ્રોજેક્ટ માટે કરારની રકમ આશરે ₹243.49 કરોડ હતી, જ્યારે કેરળના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ખર્ચ આશરે ₹389 કરોડ સુધી ગયો હતો. આજકાલનાં કૌભાંડોના વ્યાપ સામે વધેલો ખર્ચ ચણા-મમરાથી ય ઓછો લાગે ને?

જો કે આ કરાર/કરારોમાં સી.બી.આઈ.અને કેગ (કમ્પટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલ અર્થાત નિયંત્રક અને મહાલેખા પરીક્ષક)ની તપાસમાં મુખ્ય મુદ્દા અલગ હતા. એક, કરાર પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું કે નહીં? બે, જરૂરી ટેકનિકલ સલાહને અવગણવામાં આવી કે નહીં? ત્રણ, ઇક્વિપમેન્ટ અને ક્ધસલટન્સી માટે વધુ ચુકવણી થઈ કે નહીં? ચાર, કેરળના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડને કરારના વચન મુજબ ટેકનોલોજી ટ્રાન્સફર અને તાલીમ મળ્યા કે નહિ? 

પાંચ, મલબાર કેન્સર સેન્ટર માટે વચન આપેલી આર્થિક સહાયનો કેટલો ભાગ મળ્યો? મલબાર કેન્સર સેન્ટર આ કેસનો એક અસાધારણ અને મહત્ત્વપૂર્ણ ભાગ હતો. આની કરાર પ્રમાણેની વિગત મુજબ કેનેની કંપની એસ.એન.સી.- લાવાલીન તરફથી મલબાર કેન્સર સેન્ટર લગભગ ₹.98.3 કરોડની ગ્રાન્ટ આપવાની વાત હતી. પરંતુ વચન મુજબની રકમનો મોટો ભાગ મળ્યો નહીં. જોકે કેગના એક અહેવાલ મુજબ ₹98.3 કરોડના વચનમાંથી ₹89.32 કરોડ મળ્યા નહોતા. શા માટે?

કમ્પટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલે સ્પષ્ટ શબ્દોમાં નિરીક્ષણ નોંધ્યું હતું કે કન્સલ્ટન્સી ફી અને અન્ય ફાઇનાન્સિયલ ચાર્જિસની ચુકવણી ટાળી શકાય તેવી હતી છતાં પેમેન્ટ કરાયું હતું.

આ કેસમાં અનેક રાજકારણીઓ સંડોવાયા હતા અને આખરે તેમના પર આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનનો પણ સમાવેશ થયો હતો. આ કેસ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના પોલિટબ્યુરોના સભ્ય સામે ભ્રષ્ટાચાર સંબંધિત પ્રથમ ફરિયાદ/કાયદેસરની કાર્યવાહી હતી. 

જોકે, 5 નવેમ્બર 2013ના રોજ પિનરાઈ વિજયન અને અન્ય 6 આરોપીઓને સી.બી.આઈ.ની વિશેષ અદાલતે આરોપોમાંથી અસ્થાયી રીતે મુક્ત કર્યા હતા, કારણ કે ‘સી.બી.આઈ. તેના કોઈપણ આરોપને સાબિત કરી શકી નહોતી.’ ત્યાર બાદ સી.બી.આઈ.એ કેરળ હાઇ કોર્ટમાં અપીલ ચાલુ રાખી. 

23 ઓગસ્ટ 2017ના રોજ કેરળ હાઇ કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો અને પિનરાઈ વિજયનને ફરીથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. જુલાઈ 2020 સુધીમાં, પિનરાઈ વિજયનની નિર્દોષ મુક્તિ સામે સી.બી.આઈ.ની અરજી ભારતની સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી.
બેશક કુછ તો ગરબડ હુઈ હૈ. કાયદો પુરાવા અને ગવાહ માંગે છે પણ... આગળનું લખવાનું જરૂરી ખરું?  (સંપૂર્ણ)