Wed Oct 07 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-10-07 08:13:55
Author: Henry Shastri
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી 


ખંજવાળો ને ધનપ્રાપ્તિ કરો! 


ખંજવાળ આમ તો ત્વચાની તકલીફ છે, બીમારી છે. આંગળીમાં ખંજવાળને અંધશ્રદ્ધા સાથે નિસબત હોવાનું કહેવાય છે. જોકે, હથેળીમાં ખંજવાળ આવે એને ધનપ્રાપ્તિનો ઈશારો સમજવામાં આવે છે, પણ અન્ય કોઈને ખંજવાળીને ધન પ્રાપ્તિ કરી શકાય એવો અજબ ચીનનો ગજબ દાખલો જોવા મળ્યો છે. કૃત્રિમ બુદ્ધિમત્તા - આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના- AI કાળમાં માનવ બુદ્ધિ - હ્યુમન ઈન્ટેલિજન્સે પૈસા કમાઈ લેવાનો એક એવો કીમિયો શોધી કાઢ્યો છે કે કોઈની પણ બુદ્ધિ બહેર મારી જાય. 


ચીનમાં ઝેન્ગ સિયાઓચાઓ નામના એક 32 વર્ષીય બિઝનેસમેનએ એક વિશિષ્ટ સર્વિસ શરૂ કરી છે. આપણે ત્યાં નાનું બાળક રડતું હોય કે અકળાતું હોય તો એને પંપાળી શાંત પાડવાની પ્રથા હતી. પંપાળવાથી બાળકને માનસિક રાહત મળે અને એટલે એ શાંત થઈ જાય એ એની પાછળની સમજણ છે. પણ મોટેરા અકળાયા હોય, ટેંશનમાં હોય કે અસ્વસ્થ હોય તો શું કરે? કોઈ બે પેગ લગાવે, કોઈ મેડિટેશન કરે તો કોઈ વળી ત્રીજો-ચોથો રસ્તો અપનાવે. ઝેન્ગ ભાઈએ તો લોકોને તણાવમુક્ત કરવા નવો રસ્તો જ નહીં, આખેઆખી નવી સડક તૈયાર કરી છે. 


ગ્રાહકોને હળવેથી ખંજવાળી તણાવમુક્ત કરવામાં આવે છે. પરંપરાગત બોડી મસાજના વિકલ્પ તરીકે શરૂ કરાયેલો આ અનોખો બિઝનેસ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ગ્રાહકે સૅલોંમાં આવી પેટ સરસા સૂઈ જવાનું. ભાઈસાહેબ પ્લાસ્ટિકના નખ પહેરી પીઠ પર ખંજવાળે. એક કલાક ખંજવાળવાના 300 યુઆન (આશરે 4300 રૂપિયા) ચાર્જ કરે. 


આ અનોખા મસાજથી સ્ટ્રેસ ઓછું થાય અને ઊંઘ સારી આવે એવો દાવો મિસ્ટર ખંજવાળ કુમાર દ્વારા કરવામાં આવ્યો છે. આજની તારીખમાં ઝેન્ગ બે સૅલોં ચલાવી મહિનેદાડે એક લાખ યુઆન (આશરે 14.5 લાખ રૂપિયા) કમાય છે. આ બિઝનેસમાં બહુ સ્કોપ હોય એવું લાગતું હોવાથી સમગ્ર દેશમાં 100 લોકેશન પર બ્રાન્ચ ખોલવાનો પ્લાન બનાવ્યો છે. આ રીતે ધનપ્રાપ્તિની જબરદસ્ત ખુજલી ઉપડી છે આ ચાઇના મેનને.


કેટલી વીસે સો થાય: બાળ ગણિતનો દાખલો


‘કેટલી વીસે સો થાય’ એ કહેવતનો ભાવાર્થ કોઈ કામ કઈ રીતે પાર પાડવું તેની યોગ્ય સમજ પડવી એવો થાય છે. જોકે, ઉડાઉ સંતાનને પૈસાની કિંમત સમજાવવા વડીલો ‘કમાવા જા તો ખબર પડે કે કેટલી વીસે સો થાય એ ખબર પડે’ એમ કહેતા. આજના બદલાયેલા યુગમાં સંતાનને પૈસાનું મહત્ત્વ અને એનું મૂલ્ય સમજાવવા પર જોર અપાય છે.
 

યુએસના ફ્લોરિડામાં રહેતી એક મહિલા સાત વર્ષના પુત્રને કેટલી વીસે સો થાય છે એનો ખ્યાલ કઈ રીતે આપે છે એ જાણવા-સમજવા જેવું છે. મહિલા જણાવે છે કે ‘મારા સાત વર્ષના પુત્રએ રોજ અમુક કામ કરવાના હોય છે. બધાં કામ સમયસર પૂરાં થઈ જાય તો મહેનતાણા પેટે તેને દિવસનો એક ડૉલર આપું છું.’ આ દૈનિક કામમાં બેડ પર ચાદર પાથરવી, બ્રશ કરવું, પોતાનું બાથરૂમ સાફ કરવું અને પોતાના મેલા કપડાં લોન્ડ્રી બિનમાં મૂકવાનો સમાવેશ છે. 


મહિનો પૂરો થાય એટલે ઈલેક્ટ્રિસિટીના બે ડૉલર, ઈન્ટરનેટ વાપરવાના બે ડૉલર, ભાડા પેટે પાંચ ડૉલર સંતાને ચૂકવવાના. બધા બિલ ચૂકવાઈ ગયા પછી બચત કરવી હોય તો કેટલી કમાણી કરવી પડે એનો ખ્યાલ તેને આવે છે. જો કોઈ મહિને એ ભાડું ન ભરી શકે તો બીજે મહિને એ ભરપાઈ કરવાનું હોય છે. આ તે કેવી મા એવો વિચાર તમને આવી શકે છે. પૈસાની ઉઘરાણી વિશે મા સ્પષ્ટતા કરે છે કે ‘આ પૈસા હું એના સેવિંગ્સ અકાઉન્ટમાં જમા કરું છું. દીકરાને પોતાની જવાબદારીનું ભાન થવાની સાથે પૈસાનું મૂલ્ય સમજાય છે મને એનો આનંદ છે.’


આગળથી કોડીનું પાછળથી કોટિનું


Never judge a book by its cover - કોઈ પુસ્તકનું બહારનું કવર સાવ સાદું હોય પણ એની અંદર રહેલું જ્ઞાન અદ્ભુત હોય એવું બને. બાહ્ય દેખાવ ભ્રામક હોઈ શકે છે: કોઈ વ્યક્તિ દેખાવમાં સાદી કે સામાન્ય લાગતી હોય, પણ તે ખૂબ જ હોશિયાર, દયાળુ કે ગુણવાન હોઈ શકે છે એ આ કહેવતનો ભાવાર્થ છે. વ્યક્તિ કે વસ્તુના માત્ર બાહ્ય દેખાવ કે પહેરવેશ પરથી તેનું મૂલ્ય કે ગુણવત્તા નક્કી ન કરવી જોઈએ. દીદાર છેતરામણા હોઈ શકે છે. જોકે, અસલી ચહેરો તળેટી પરથી શિખર પર બેસાડી દે એવી અજબ ઘટના આ ગજબ દુનિયામાં બની છે. આનો એક અદ્ભુત બનાવ યુએસના મિશિગન રાજ્યમાં બન્યો છે. 


કાયમ અલાયદી વસ્તુની ખોજમાં નીકળતા એક કળાપ્રેમી સંગ્રહકર્તાને વિનાઇલ રેકોર્ડ્સ ખરીદવાની ઈચ્છા થઈ. સ્થળ પર અચાનક એની નજર એક જૂની પેન્ટિંગ પર પડી. દેખાવમાં સામાન્ય લાગતી આ કલાકૃતિ હાથમાં પકડી આગળ પાછળ નજર કરતા ચોંકી ગયો. 30 ડૉલર (આશરે 2800 રૂપિયા) આપીને તરત ખરીદી લીધી. એ પેન્ટિંગની પાછળ ગટર્રુડ એબરક્રોમ્બીનું નામ લખેલું હતું. કલારસિક કલેક્ટર અમેરિકન પેન્ટર એબરક્રોમ્બીની ખ્યાતિથી એની કલાકૃતિઓથી વાકેફ હતો.


1951માં તેણે તૈયાર કરેલી ‘એલ્ડરમેન મેરિયમ્સ શેલ્સ’ નામની કલાકૃતિ 70 વર્ષથી વધુ સમયથી જાહેર જનતાની નજરથી ગાયબ હતી, જે અચાનક નજરે પડી હતી. કલેકટર મૂલ્યવાન વસ્તુ હાથ લાગતા રાજી રાજી થઈ ગયો. ન્યૂ યોર્ક ખાતે ફ્રીમેન્સ ઓક્શન્સમાં આ પેન્ટિંગ 13,52,600 ડૉલર (આશરે 12 કરોડ 80 લાખ રૂપિયા) માં વેચાયું. પલટ કે દેખા તો લકને પલટી મારા એ આનું નામ. એટલે જ કહે છે ને કે ‘ચેહરા ક્યા દેખતે હો, દિલ મેં ઉતરકર દેખો ના...’


પોલીસ ચોર? ના, ચોર પોલીસ


નાનપણમાં તમે કદાચ ચોર-પોલીસની રમત રમ્યા હશો. બાળકોની આ નિર્દોષ રમતમાં કેટલાંક બાળકો ચોર બને છે અને બાકીના પોલીસ બને છે. આ રમત દ્વારા બાળકોને પોલીસ કાયદાનું રક્ષણ કરે છે એ સમજાવવાનો રહેતો. જોકે, એકવીસમી સદીમાં ક્યારેક એવા બનાવ બને છે કે પોલીસ ચોર છે કે ચોર પોલીસ છે એ સમજાય જ નહીં. કાર પર પોલીસ લખ્યું હોય પણ અંદર ચોર બેઠો હોય એવું થાય તો બહુ નવાઈ નથી લાગતી. શ્રી રામના પુત્રો લવ-કુશનો જન્મ થયો હતો એવી પૌરાણિક કથા જોડાઈ છે એ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં તાજેતરમાં બનેલી ઘટના પોલીસના સ્વાંગમાં ચોરની વાતને સમર્થન આપે છે. 


સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર ‘POLICE’ લખેલી કારમાંથી ખુલ્લેઆમ ચોરી કરવાનો એક વિચિત્ર અને રહસ્યમય કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે. કાયદાના રક્ષકનું સ્ટીકર લગાવીને સરકારી સંપત્તિની ચોરી કરતો આ વાયરલ વીડિયો લોકોમાં ભારે આશ્ર્ચર્ય અને ચર્ચા જગાવી રહ્યો છે. 


આ આખાય મામલામાં સૌથી આશ્ર્ચર્યજનક વાત એ છે કે કારમાંથી એક અજાણ્યો શખ્સ ઊતરી હાઇવેની વચ્ચે ડિવાઇડર પર બેસાડવામાં આવેલા સુંદર છોડને જડમૂળથી ઉખાડી કારની ડિક્કીમાં મૂકીને રફુચક્કર થઈ જાય છે. ટૂંકમાં આ રીતે હરિયાળી ચોરી જતા આ ‘વીઆઈપી ચોર’ની હરકત પર લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વીડિયોના આધારે બાગપત પોલીસે ચકાસણી શરૂ કરી દીધી છે. ચોર પોલીસ ટાઈટલને એક અલાયદો અર્થ પ્રાપ્ત થયો છે. અજબ ચોરની ગજબ ચોરી, બીજું શું!


લ્યો કરો વાત 


આગામી રવિવારથી શરૂ થતા નવરાત્રિનો મહિમા અનેરો છે. ઉત્સાહથી એની ઉજવણી થાય છે. હિમાચલ પ્રદેશની સુંદર કુલ્લુ ખીણમાં આવેલા ધલપુર મેદાન ખાતે ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવતો કુલ્લુ દશેરા તહેવાર ભારતભરમાં ઉજવાતા પરંપરાગત દશેરા કરતા તદ્દન અલગ અને અનોખો આંતરરાષ્ટ્રીય સ્તરનો તહેવાર છે. દેશના અન્ય ભાગોમાં વિજયાદશમીના દિવસે દશેરાની ઉજવણી પૂર્ણ થાય ત્યારે કુલ્લુમાં આ ભવ્ય ઉત્સવની શરૂ થઈ સતત 7 દિવસ ચાલે છે. 


દેશના અન્ય ભાગોની જેમ અહીં રાવણ, કુંભકર્ણ કે મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. તેના બદલે ઉત્સવના અંતે લંકા દહનના પ્રતીક રૂપે વ્યાસ નદીના કિનારે સૂકું ઘાસ અને ઝાડીઓ સળગાવવામાં આવે છે. આ ઉત્સવની એક ખાસિયત એ છે કે આમાં આસપાસની ખીણો અને ગામડાઓમાંથી આશરે 300થી વધુ સ્થાનિક દેવી-દેવતાઓને સજાવેલી પાલખીઓમાં અહીં લાવવામાં આવે છે. મનાલીથી હિડિમ્બા દેવી પણ આ ઉત્સવમાં ખાસ પધારે છે.