પરવાનગી વગર ધરણા અને ઉપવાસ પર બેસવા બાબતે 15 સામે ગુનો દાખલ
પાટડીઃ પાટડી તાલુકાના માલવણ સ્થિત MRL કંપનીના મુખ્ય દરવાજા બહાર આંદોલન કરી રહેલા કેટલાક કામદારો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કંપનીના ગેટ બહાર ધરણાં પર બેઠેલા કામદારોની અટકાયત કરીને પોલીસ તેમને બજાણા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.અને બાદમા છોડી મુકવામા આવ્યા હતા ફરી પાછા ઉપવાસ પર બેસી ધરણા કરતા પોલીસે પરવાનગી વગર ધરણા અને મંડપ નાખીને આદોલન કરતા જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો
કંપની પ્રબંધનના જણાવ્યા અનુસાર, MRL કંપનીમાં ૫૦૦થી વધુ કામદારો ફરજ બજાવી રહ્યા છે અને પ્લાન્ટમાં કામગીરી સુચારૂ રીતે ચાલી રહી છે. હાલનો વિવાદ કેટલાક કોન્ટ્રાક્ટરના કામદારો સાથે સંકળાયેલો છે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, MRL કંપનીમાં કામદારોની સીધી ભરતી કરવામાં આવતી નથી પરંતુ અધિકૃત કોન્ટ્રાક્ટર મારફતે જ કામદારો પૂરા પાડવામાં આવે છે, અને આ સંકળાયેલા કામદારો પણ કોન્ટ્રાક્ટર મારફતે જ કંપનીમાં કાર્યરત હતા.
કંપનીના જણાવ્યા મુજબ, સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા કેટલાક કામદારોને માલવણ સ્થિત MRL કંપનીમાંથી અન્ય પ્લાન્ટ કે અન્ય કંપનીમાં સ્થાનાંતરિત (બદલી) કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાને નોકરીમાંથી છૂટા કર્યા હોવાનું ગણાવી શકાય નહીં. કંપનીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કામદારને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા નથી, પરંતુ તેમને કોન્ટ્રાક્ટર મારફતે અન્ય સ્થળે કામ સોંપવામાં આવ્યું છે.
કંપની પ્રબંધને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે કામદારો અને કોન્ટ્રાક્ટર વચ્ચે રોજગાર તથા કામના સ્થળને લઈને ઊભી થયેલી આ પરિસ્થિતિમાં MRL કંપનીની કોઈ સીધી ભૂમિકા નથી. કંપની તરફથી ઉત્પાદન અને કામગીરીની વ્યવસ્થા સુચારૂ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
દરમિયાન, કંપનીના મુખ્ય ગેટ પર કામદારોના બેસવાથી પ્લાન્ટના સામાન્ય સંચાલનમાં ખલેલ પહોંચતી હોવાથી પોલીસે પગલાં ભર્યા હતા. આંદોલન કરી રહેલા કામદારોની અટકાયત કરી બજાણા પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.