ભુજ: આદ્યશક્તિ પીઠ માતાના મઢ ખાતે બિરાજમાન કચ્છના કુળદેવી મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે મુંબઈ, ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવી રહેલા સાઇકલ અને પદયાત્રીઓનો અવિરત પ્રવાહ કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી અને સૂરજબારીથી આગળ વધી મંગળવારે ભુજ શહેરને વટાવી પશ્ચિમ કચ્છ તરફ આગળ ધપી રહ્યો છે. શ્રદ્ધાળુઓનો આ વિશાળ સંઘ નવરાત્રિના પ્રારંભ પૂર્વે જ પોતાની પદયાત્રા સંપન્ન કરી લેશે.
માર્ગો પર કોઈ ભાવિક લોખંડની સાંકળો બાંધી રસ્તા પર આળોટતા-આળોટતા કષ્ટદાયી માનતા પૂર્ણ કરી રહ્યો છે, તો કોઈ પરિવાર બાબાગાડીમાં નાનાં ભૂલકાંઓને બેસાડીને આગળ વધી રહ્યો છે. યુવાવર્ગ હાથમાં હાથ પરોવી બ્લૂટૂથ સ્પીકર પર માતાજીના ભક્તિગીતોના તાલે ભક્તિભાવપૂર્વક આગળ વધી રહ્યો છે. સામખિયાળી, રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજારથી શરૂ કરીને ભુજ સુધીના માર્ગો પર ઠેર-ઠેર સેવા કેમ્પો રાઉન્ડ ધ ક્લોક ધમધમી ઊઠ્યા છે. રાત્રિના સમયે આરામ માટે કેમ્પો અને સ્થાનિક સમાજવાડીઓમાં ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જ્યાં સ્નાન, ભોજન, ચા-નાસ્તો, મોબાઇલ ચાર્જિંગ તેમજ પદયાત્રીઓની પીઠ પર રેડિયમ પટ્ટી લગાવવાની સઘન કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ, ભુજ તાલુકાના માધાપર ગામે આવેલી ઐતિહાસિક નાની બા વાવ ખાતે ‘આશાપુરા ફાઉન્ડેશન-ભુજોડી’ દ્વારા તારીખ 6થી 8 ઓક્ટોબર દરમિયાન ભવ્ય ત્રિ-દિવસીય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી ચેતનભાઈ શાહ, મનનભાઈ શાહ તેમજ દીનાબેન શાહની આગેવાની હેઠળ આશાપુરા ફાઉન્ડેશન (ભુજોડી)ના સ્ટાફ અને સભ્યો દ્વારા પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ભોજન અને વિરામ સહિતની ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનું જ્લ્પનભાઈ અંજારિયાએ જણાવ્યું હતું.
દરમિયાન, પદયાત્રીઓની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 4થી 11 ઓક્ટોબર સુધી કચ્છના પ્રવેશદ્વારથી લઈને માતાના મઢ રૂટ પરના તમામ સરકારી દવાખાનાઓને 24 કલાક કાર્યરત કરી દેવાયા છે. લાંબી પદયાત્રાના કારણે પગમાં સોજા કે છાલા પડવાની ફરિયાદ નિવારવા કેમ્પોમાં પ્રાથમિક સારવાર સાથે ફિઝિયોથેરાપિસ્ટની વિશેષ ઓન-કોલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)