અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે. ગુજરાત સરકાર અને રાજ્યના વિવિધ બાર એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ વકીલ મંડળોએ હડતાળ મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે જ આવતીકાલથી રાજ્યની તમામ અદાલતોમાં કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
જ્યુડિશિયરીની સત્તા યથાવત રાખવા સરકારે આશ્વાસન આપ્યું
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, અમદાવાદ બાર એસોસિએશન તેમજ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો સાથે એક કલાકથી વધુ સમય સુધી સમીક્ષા બેઠક યોજાઈ હતી. વકીલોનો મુખ્ય વિરોધ 'ગુજરાત ભાડા વિધેયક-2026' માં ન્યાયતંત્રની સત્તાઓ કાર્યપાલિકાને સોંપવાની જોગવાઈ સામે હતી. સરકારે આ બેઠક દરમિયાન સ્પષ્ટ આશ્વાસન આપ્યું છે કે, ભાડૂત અને મિલકત સંબંધિત તમામ વિવાદોના નિર્ણયોની આખરી સત્તા જ્યુડિશિયલ ઓથોરિટી પાસે જ રહેશે અને કલેક્ટરને સત્તા સોંપવાનો પ્રસ્તાવ રદ કરવામાં આવશે.
5 સભ્યોની કમિટી કરશે વિધેયકની સમીક્ષા
નવા ભાડા વિધેયકની જોગવાઈઓમાં સુધારા-વધારા કરવા માટે 5 સભ્યોની એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં બાર કાઉન્સિલ અને વિવિધ બાર એસોસિએશનના પ્રતિનિધિઓ સામેલ હશે, જેઓ રાજ્યના કાયદા વિભાગના સચિવ સાથે વિચાર-વિમર્શ કરીને વિધેયકની ક્ષતિઓ અને વાંધાજનક મુદ્દાઓ અંગે સરકારને અહેવાલ સોંપશે. આ ઉપરાંત, બેઠકમાં વકીલોની સુરક્ષા માટેના એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને નોટરીઓને ટિકિટ ફાળવણી સહિતના પડતર પ્રશ્નો અંગે પણ હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
બાર એસોસિએશનના હોદ્દેદારોનું નિવેદન
આ સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલ, સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જે.બી. પ્રજાપતિ અને અમદાવાદ બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોક્સીએ સંયુક્તપણે જણાવ્યું હતું કે, ન્યાયતંત્રની સ્વાયત્તતા જાળવવા અને વકીલોના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર તરફથી મળેલા મજબૂત આશ્વાસન બાદ જ આ હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. જેથી કમિટી દ્વારા વિધેયકની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.