પાલિકા, કૉર્પોેરટ અને સામાજિક સંસ્થા સંયુક્ત રીતે મુંબઈના વિકાસમાં ભાગ ભજવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના વિકાસમાં નાગરિક, ઉદ્યોગ વ્યવસાય ક્ષેત્ર, સ્વયંસેવી સંસ્થા અને નિષ્ણાતો સહભાગ વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ‘પાર્ટિસિપેટ મુંબઈ’ નામે ભાગીદારીનો નવો ડિજિટલ મંચ શરૂ કર્યો છે, જેનું લોકાર્પણ મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન તેમણે મુંબઈમાં પાલિકા પ્રશાસનના કારભારમાં નાગરિકોની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર ભાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં પાલિકા અને ‘સમગ્ર’ સંસ્થા વચ્ચે એક વ્યાપક કરાર પર હસ્તાક્ષર પણ થયા હતા.
મુખ્ય પ્રધાને પાલિકાના કાર્યક્રમોમાં ટૅકનોલૉજી, વધુ સારી દેખરેખ અને કેન્દ્રિત હસ્તક્ષેપો લાવવા માટે મજબૂત સીએસઆર (કૉર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી) ભાગીદારી માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પાર્ટિસિપેટ મુંબઈ’ ફક્ત સીએસઆર ભંડોળ પ્લેટફોર્મ તરીકે જ નહીં પરંતુ મુંબઈ મહાનગપાલિકા, કૉર્પોરેટસ, એનજીઓ અને નાગરિકો વચ્ચે એક સેતુ તરીકે સેવા આપશે. શિક્ષણ, આરોગ્યસંભાળ, પાણી, રોજગાર, પર્યાવરણ, ઉદ્યાનો, સુંદરતા અને ગરીબી નિવારણના પ્રોજેક્ટ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કરવામાં આવશે, જ્યારે સંસ્થાઓ પણ પોતાની પહેલ પ્રસ્તાવિત કરી શકશે.
દાયકાઓ જૂની સરકારી પ્રક્રિયાઓ પર પુનર્વિચાર કરવાની હાકલ કરતા ફડણવીસે કહ્યું કે નાગરિકો હવે ઝડપી સેવા વિતરણ અને ઝડપી ફરિયાદ નિવારણની અપેક્ષા રાખે છે. ૧,૧૦૦ ઓનલાઇન સરકારી સેવાઓના વિશ્ર્લેષણમાં જાણવા મળ્યું છે કે સરકાર સાથે નાગરિકોની લગભગ ૯૦ ટકા ક્રિયાપ્રતિક્રિયાઓ ફક્ત ૪૫-૪૭ સેવાઓ માટે જવાબદાર છે. આ મુખ્ય સેવાઓને ફરીથી ડિઝાઇન કરવાથી જાહેર અનુભવમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે અને ટૂંક સમયમાં નવી સિસ્ટમો શરૂ થવાની અપેક્ષા છે.
મુંબઈ મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાં બિલ્ડિંગ પ્લાનિંગ પ્રક્રિયામાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઉપયોગનો ઉલ્લેખ કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ભવિષ્યમાં માનવી હસ્તક્ષેપ ઓછો કરીને અથવા શૂન્ય માનવ હસ્તક્ષેપની દિશામાં આગળ વધવું જરૂરી છે. તેથી મુંબઈમાં વ્યવસાય કરવાની સરળતામાં સુધારો થઈ શકશે. તેમણે અધિકારીઓને પરિવર્તન સામેના પ્રતિકારને દૂર કરવા અને ટૅકનોલૉજી અને નવી પદ્ધતિઓ અપનાવવા વિનંતી પણ કરી હતી.
મુંબઈના મેયર રીતુ તાવડેએ જણાવ્યું હતું કે સીએસઆરનો ઉદ્દેશ્ય માત્ર ચેક આપવાને બદલે પરિવર્તન લાવવાનો હોવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે ‘પાર્ટિસિપેટ મુંબઈ’ પહેલ કોર્પોરેટ સંસ્થાઓ, બિનસામાજિક સંસ્થા(એનજીઓ), વિવિધ સંગઠનો અને નાગરિકોની યોગદાન આપવાની ઈચ્છાશક્તિને પાલિકા નાગરિક સુવિધા સંબંધી જરૂરિયાતો સાથે જોડશે. કાર્યક્રમ દરમ્યાન ખાનગી અગ્રણી કંપની દ્વારા મોટા ભંડોળની પણ જાહેરાત કરવામાં આવી હતી.