(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મલેરિયા અને સ્વાઈનફ્લૂના કેસમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. છેલ્લા ચાર મહિનામાં મુંબઈમાં મલેરિયાના ૭,૪૨૨ અને સ્વાઈનફ્લૂના ૫૦૪ કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીમાં જોકે ડેન્ગ્યૂના કેસમાં હળવો ઘટાડો નોંધાયો છે.
મુંબઈમાં જૂન, જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર આ ચાર મહિનામાં મલેરિયાના ૭,૪૨૨ કેસ નોંધાય છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ફક્ત ૫,૧૪૪ કેસ નોંધાયા હતા. તો ઈન્ફલૂએન્ઝા-એ વાઈરસથી ફેલાતા સ્વાઈનફ્લૂ( એચવનએનવન)ના ચાર મહિનામાં ૫૦૪ કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ સમયગાળામાં માત્ર ૭૧ કેસ નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીમાં સ્વાઈનફ્લૂના કેસમાં લગભગ છ ગણો વધારો નોંધાયો છે.
ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે જૂન, જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના ૩,૩૫૬ કેસ સામે આ વર્ષે આ સમયગાળામાં ૨,૯૪૧ કેસ નોંધાયા છે. ચિકનગુનિયાને પણ નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી છે. ગયા વર્ષે ચિકનગુનિયાના ૫૦૯ કેસ સામે આ વર્ષે માત્ર ૬૬ કેસ છે. લેપ્ટોના ગયા વર્ષે ૫૪૯ કેસ સામે આ વર્ષે માત્ર ૨૮૬ કેસ નોંધાયા છે. ગૅસ્ટ્રોના ગયા વર્ષે ૨,૬૩૯ કેસ સામે આ વર્ષે ૨,૧૯૪ કેસ નોંધાયા છે. કોવિડના કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે ચાર મહિનામાં ૬૭૮ કેસ નોંધાયા હતા, તેની સામે આ વર્ષે ૧૬૫ કેસ નોંધાયા છે.
ગણેશોત્સવ દરમ્યાન તમામ વોર્ડમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં ૮૪,૨૦૮ નાગરિકોએ ભાગ લીધો હતો. તેમાંથી મલેરિયાના તપાસ માટે ૫,૧૩૦ સેમ્પલ લઈને દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
એ સિવાય સપ્ટેમ્બર મહિનામાં મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ઘરે જઈને સર્વેક્ષણ પણ કર્યા હતા, જેમાં ૧૧,૨૨,૪૩૩ ઘરના સર્વેક્ષણ દરમ્યાન ૫૨,૫૧,૫૯૮ નાગરિકોના સર્વેક્ષણ કર્યા હતા. ટેસ્ટ માટે ૬૩,૮૩૭ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. મલેરિયાના નિયંત્રણમાં લાવવા માટે કૂવા, પાણીની ટાંકીઓ, સ્વિમિંગ પૂલ જેવા ઉત્પત્તિના કુલ ૩૮,૦૨૮ સ્થળો તપાસવામાં આવ્યાં હતાં, જેમાંથી ૬,૩૯૦ જગ્યાએ એનોફિલીસ મચ્છરના લાર્વા મળી આવ્યા હતા.
ડેન્ગ્યૂને નિયંત્રણમાં લાવવા માટે કુલ ૧૦,૪૪,૦૫૫ ઉત્પત્તિ સ્થળો તપાસવામાં આવ્યાં હતાં, જેમાં પાણીનાં પીપ, ટાયર, ફેંગશુઈ ઝાડ, મની પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં ૨૩,૪૦૫ જગ્યાએ એડિસ મચ્છરોના ઉત્પત્તિ સ્થળ મળી આવ્યાં હતાં. મચ્છરોના ત્રાસને રોકવા માટે ૪૫,૨૬૬ ઈમારતોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. તો ૬,૯૮,૭૨૯ ઝૂંપડાઓ પર ફોગિંગ કરવામાં આવ્યું હતું.