મુંબઈ: ‘બિગ બોસ 16’ ફેમ અભિનેત્રી અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કેફેમાં ચોરીની ઘટના સામે આવી છે. અર્ચનાએ પોતાના સોશિયલ મીડિયા પર ચોરીનો સીસીટીવી વીડિયો શેર કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. અહેવાલ અનુસાર, આ ચોરી વહેલી સવારે લગભગ 5થી 6 વાગ્યાની આસપાસ થઈ હતી. ઘટનામાં ચોર કેફેમાંથી આખું કેશ કાઉન્ટર જ ઉઠાવીને લઈ ગયો હોવાનું અર્ચનાએ જણાવ્યું હતું.
અર્ચના ગૌતમનું આ કેફે ઓય ચુરોસમાં વહેલી સવારે ચોરી થઈ હતી. અભિનેત્રીએ સીસીટીવી ફૂટેજ શેર કરતાં જણાવ્યું કે, ચોર કેફેમાં ઘૂસ્યો અને કેશ કાઉન્ટર લઈને ફરાર થઈ ગયો. સીસીટીવીમાં કથિત ચોરની હરકતો પણ જોવા મળી રહી છે, જેને આધારે અર્ચનાએ પોલીસને આરોપીને વહેલી તકે શોધી કાઢવા વિનંતી કરી છે.

અર્ચના ગૌતમના કેફે માં પૈસાની ચોરી
અર્ચનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેણે આ કેફે ખૂબ મહેનત અને પોતાની બચતના પૈસા લગાવીને બનાવ્યું છે. કેફેની એક-એક વસ્તુ તેણે પોતાની મહેનતથી તૈયાર કરી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. પરંતુ ચોર કેફેમાં ઘૂસીને આખું કેશ કાઉન્ટર જ લઈ ગયો હોવાને કારણે અભિનેત્રીને મોટો આઘાત લાગ્યો છે.
આ ઘટનાને લઈને અર્ચનાએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હોવાનું જણાવ્યું છે. તેણે મુંબઈ પોલીસને અપીલ કરી છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવામાં આવે અને તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અર્ચનાના જણાવ્યા અનુસાર, મુંબઈ તેને હંમેશાં સુરક્ષિત શહેર લાગ્યું છે, તેથી પોતાના કેફેમાં બનેલી આ ઘટનાથી તે વધુ દુઃખી થઈ છે.
અર્ચના ગૌતમે ચાહકોને સતર્ક રહેવાની અપીલ કરી
અભિનેત્રીએ માત્ર પોતાની ફરિયાદ જ કરી નથી, પરંતુ આ સીસીટીવી વીડિયો શેર કરવાનો હેતુ લોકોને સાવચેત કરવાનો પણ હોવાનું જણાવ્યું છે. તેણે પોતાના ફોલોઅર્સને ઘર અને બિઝનેસની સુરક્ષા અંગે સતર્ક રહેવા, આસપાસની સ્થિતિ પર ધ્યાન આપવા અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અર્ચના ગૌતમે ઓક્ટોબર 2025માં ફૂડ બિઝનેસમાં પગલું મૂક્યું હતું અને 9 ઓક્ટોબર 2025ના રોજ ઓય ચુરોસ કેફે શરૂ કર્યું હતું.
બિગ બોસનો હિસ્સો રહી ચુકેલી અર્ચના ગૌતમ
‘બિગ બોસ 16’થી લોકપ્રિય બનેલી અર્ચના બાદમાં ‘ખતરોં કે ખિલાડી 13’, ‘સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા’ અને ‘રિયાલિટી રાનિયા ઓફ ધ જંગલ 2’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. હવે કેફેમાં ચોરી બાદ અર્ચનાએ શેર કરેલો સીસીટીવી વીડિયો ચર્ચામાં છે અને પોલીસ તપાસ બાદ જ ચોરીમાં સામેલ વ્યક્તિ તથા ચોરીની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ થશે.