Wed Oct 07 2026

Logo

PM Modi 25 Years in Public Life: હવે આરામ નહીં, દેશ માટે ખપી જવાનો સમય છે... પીએમ મોદીનું યુવાનોને પ્રેરણાદાયી સંબોધન...

2026-10-07 15:26:40
Author: Darshana Visaria
PM Modi 25 Years in Public Life: હવે આરામ નહીં, દેશ માટે ખપી જવાનો સમય છે... પીએમ મોદીનું યુવાનોને પ્રેરણાદાયી સંબોધન...

જાહેર જીવનમાં સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે સંપૂર્ણ તાકાત અને જોશ સાથે આગળ વધવા મોટું આહ્વાન કર્યું છે. દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ સભા - સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમમાં આજના જેન-ઝીને સંબોધન કરતાં વડા પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વર્તમાન સમય આરામ કરવાનો નથી, પરંતુ દેશ માટે પોતાની જાતને ખપાવી દેવાનો અને આગળ ધપવાનો છે.

યુવાપેઢી માટે ખાસ સંબોધન અને સંદેશો આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના ઇતિહાસમાં યુવા વસ્તીનો આટલો મોટો ડેમોગ્રાફિક ડિવિડન્ડ પહેલીવાર મળ્યો છે અને દેશના વિકાસ માટે આ સુવર્ણ અવસરને કોઈપણ સંજોગોમાં ગુમાવવો પોસાય તેમ નથી. 

પીએમ મોદીએ યુવા સાથીઓને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા દાદા-દાદી અને નાના-નાનીની પેઢીએ જે અભાવ અને મુશ્કેલીઓ વેઠી છે, તે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓએ ન ભોગવવી પડે તે માટે આજથી જ સમર્પણ ભાવથી કામ કરવું પડશે. દેશના નિર્માણમાં યુવાનોની ઊર્જા અને ક્ષમતાને સૌથી મોટી તાકાત ગણાવતાં તેમણે કહ્યું કે વર્તમાન પેઢી સમક્ષ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઐતિહાસિક તક છે.

પોતાના શરૂઆતના રાજકીય પ્રવાસને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમની પાસે સરકાર ચલાવવાનો કોઈ પૂર્વ અનુભવ નહોતો કે ન તો કોઈ વહીવટી જ્ઞાન હતું. તે સમયે તેમની પાસે માત્ર જનશક્તિ અને ગુજરાતની જનતા પર અતૂટ વિશ્વાસ હતો. જનતાને સાથે રાખીને નીતિઓ ઘડી અને 'આપણે આ કરી બતાવીશું'ના સંકલ્પ સાથે આગળ વધ્યા, જેના કારણે ગુજરાતે વિકાસના એવા સીમાચિહ્નો સ્થાપ્યા જેનું ઉદાહરણ આજે સમગ્ર વિશ્વ આપે છે.

વડા પ્રધાને યાદ કર્યું કે 25 વર્ષ પહેલાં જ્યારે તેઓ 50 વર્ષના હતા, ત્યાં સુધીનું મોટાભાગનું જીવન તેમણે જંગલોમાં આદિવાસી સમાજ વચ્ચે સેવામાં અને હિમાલયના પહાડો વચ્ચે વિતાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી વ્યવસ્થાપનમાં સક્રિય જરૂર રહ્યા હતા, પરંતુ ક્યારેય પોતે ચૂંટણી લડવાની કોઈ મહત્વકાંક્ષા રાખી નહોતી. જો તેમનો ઉદ્દેશ્ય માત્ર ચૂંટણીની રાજનીતિ હોત તો તેઓ ઘણા સમય પહેલાં ચૂંટણી મેદાનમાં ઉતરી શક્યા હોત, પરંતુ તેમનો સ્વભાવ વ્યક્તિગત મહત્વકાંક્ષાઓથી પર રહ્યો છે.

પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે બાળપણના સંસ્કારોએ તેમને શીખવ્યું છે કે જીવન કોઈ ઉચ્ચ ઉદ્દેશ્ય માટે જીવવું જોઈએ.જીવનમાં જે પણ જવાબદારી મળી તેને પૂરી નિષ્ઠાથી નિભાવી છે. મારા માટે કર્મ જ સર્વસ્વ છે, કર્મ જ મારો ધર્મ છે. તેમણે યુવા પેઢીને પણ અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા પ્રેરણા આપી હતી.