Tue Oct 06 2026

Logo

દિવાળી પહેલા મોંઘવારીનો ફટકો: તુવેર દાળ, ચોખા અને ઘઉંના ભાવમાં મોટો ઉછાળો

2026-10-06 19:53:52
Author: Mumbai Samachar Team
દિવાળી પહેલા મોંઘવારીનો ફટકો: તુવેર દાળ, ચોખા અને ઘઉંના ભાવમાં મોટો ઉછાળો

મુંબઈઃ દિવાળીના તહેવાર પહેલા મહારાષ્ટ્રમાં સામાન્ય જનતા માટે મોંઘવારીનો મોટો ફટકો લાગ્યો છે. ઓછા વરસાદ અને દુષ્કાળ જેવી સ્થિતિને કારણે તુવેર દાળ, ચણાની દાળ, ચોખા, જુવાર, ઘઉં અને મગના ભાવમાં કિલો દીઠ મોટો વધારો થયો છે. બજારમાં આવક ઘટવા અને તહેવારોની માંગ વધવાને કારણે આગામી દિવસોમાં ભાવ હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દશેરા-દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં ઘરનો રસોડાનો ખર્ચ પણ વધવા લાગ્યો છે. રાજ્યમાં દાળ, ચોખા, જુવાર અને ઘઉંના ભાવમાં વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ઉત્પાદનને ફટકો પડ્યો છે, જ્યારે બજારમાં આવક ઘટતાં અને તહેવારોની માંગ વધતાં ભાવમાં વધુ વધારો થયો છે.

તુવેર દાળના ભાવમાં માત્ર બે અઠવાડિયામાં કિલોએ 14થી 16 રૂપિયાનો વધારો થયો છે અને હવે તે આશરે 132 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. દુષ્કાળને કારણે ખરીફ દાળના ઉત્પાદન પર અસર પડી હોવાનું વેપારીઓનું કહેવું છે. 

સ્થાનિક ધોરણે અછત પૂરી કરવા માટે મ્યાનમાર અને આફ્રિકન દેશોમાંથી દાળની આયાત કરવામાં આવી રહી છે. બીજી તરફ દિવાળીમાં મીઠાઈ, ફરસાન અને ચણાના લોટ માટેની માંગ વધતાં ચણાની દાળના ભાવ પણ કિલોએ 10 રૂપિયા વધીને 90થી 94 રૂપિયા થયા છે.

ચોખાના ભાવમાં પણ વિવિધ જાતોમાં વધારો જોવા મળ્યો છે. કાળી મૂછ અને મધર ઈન્ડિયા જેવી પ્રીમિયમ જાતોના ભાવ 55 રૂપિયાથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થયા છે, જ્યારે સામાન્ય ચોખાના ભાવમાં 15 રૂપિયાનો વધારો થઈને 80થી 85 રૂપિયા થયા છે. કોલમ ચોખા 75થી 80 રૂપિયા અને ઈન્દ્રાયણી 62થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. અંબેમોહર ચોખાના ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો થતાં તેનો ભાવ 170 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે.

ઓછા વરસાદની અસર જુવારના ભાવ પર પણ પડી છે. બારશી જુવાર હવે 67થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે, જ્યારે જથ્થાબંધ બજારમાં તેના ભાવ 50થી 75 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઘઉંના ભાવમાં પણ કિલોએ 2થી 3 રૂપિયાનો વધારો થયો છે અને હવે તેનો ભાવ 32થી 40 રૂપિયા પ્રતિ કિલોને આંબી ગયો છે. વરસાદ ધાર્યા મુજબ નહીં પડ્યો હોવાથી વાવેતર ઘટતાં મગના ભાવમાં પણ 8 રૂપિયાનો વધારો થઈને તે 110થી 112 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

વેપારીઓના મતે  દિવાળી પહેલાં અનાજના ભાવમાં હજુ વધારો થવાની આશંકા છે. કરિયાણા વેપારી સુનીલ કાંકરિયાના જણાવ્યા મુજબ દાળ, ચોખા, ઘઉં અને જુવારના ભાવ વધવાનું મુખ્ય કારણ દુષ્કાળ જેવી સ્થિતિ છે. જો આ સ્થિતિ યથાવત્ રહેશે તો આવનારા દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે. એટલે આ વખતે દિવાળીની ખરીદીમાં ફટાકડાં અને મીઠાઈ સાથે કરિયાણાના વધેલા બિલનો પણ સામનો કરવો પડી શકે છે.