કપડવંજઃ ખેડાના કપડવંજમાં એક 24 વર્ષીય માતાએ બે સંતાન સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધીમાં એક બાળકનો મૃતદેહ મળ્યો છે જ્યારે માતા અને એક બાળકની શોધખોળ ચાલી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
મળતી વિગતો અનુસાર કપડવંજ- નડિયાદ હાઈવે પર આવેલી ફત્યાવાડની નર્મદા નહેરમાં મૂળ મુવાડી ગામની વતની ભાવના ચૌહાણ નામની મહિલાએ બે સંતાન 6 વર્ષીય દીકરો પિયૂષ અને 4 વર્ષીય દીકરી નિત્યા સાથે ઝંપલાવ્યું હતું. મહિલાના પિતાના આક્ષેપો અનુસાર લગ્ન બાદ સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી દીકરીએ આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી. જોકે પરિવારજનો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે ફાયર બ્રિદગેડ પાસે પૂરતા સાધનો અને માણસો ન હોવાથી ખાનગી તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા, જેમણે વ્યક્તિદીઠ રૂ. 15,000ની માગણી કરી હતી. આ સાથે એવા આક્ષેપો પણ કર્યા હતા કે તેમણે નહેરમા ખાસ શોધખોળ ન કરતા માત્ર થોડીવારમાં જ પછા આવી રૂ. 4000 જેટલા પૈસા લઈ નીકળી ગયા હતા. આ મામલે તંત્ર સાથે વાત થઈ શકી ન હતી.