Mon Jul 13 2026

Logo

મધ્ય પૂર્વમાં તણાવ વધતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 1180નો અને ચાંદીમાં રૂ. 1668નો ઘટાડો

2026-07-13 20:33:52
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મઘ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાને આક્રમક હુમલાઓની શરૂઆત કરતાં આજે ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જાળવી રાખે તેવી શક્યતા પ્રબળ બનતાં હાજરમાં સોનાના અને ચાંદીના ભાવમાં સતત બીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1668નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1175થી 1180નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની વધુ ભાવઘટાડાના આશાવાદે ખપપૂરતી માગ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. 1668ના ઘટાડા સાથે રૂ. 2,18,722ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતા હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1175ના ઘટાડા સાથે રૂ. 1,41,619 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1180ના ઘટાડા સાથે રૂ. 1,42,188ની સપાટીએ રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 4061.64 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકા ઘટીને 4069.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.4 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 58.42 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 
અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ આક્રમક કર્યા હતા અને ઈરાને ફરી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ બંધ કર્યો હોવાનું જણાવતાં ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા. આમ ક્રૂડ તેલના ભાવ વધતાં ફુગાવમાં વધારો થવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી તંગ નાણાનીતિ જાળવી રાખે અને બૉન્ડની યિલ્ડ પણ વધી આવતા આજે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સાક્સો બૅન્કના વિશ્લેષક ઑલે હાન્સને જણાવતા ઉમેર્યું હતું કે હાલ બજારની નજર મધ્ય પૂર્વના દેશો અને ક્રૂડતેલના ભાવ પર મંડાયેલી છે. તેમ જ બજારમાં પ્રવાહિતા પણ ઓછી હોવાથી સોનાના ભાવ આૈંસદીઠ 3900થી 4200 ડૉલરની રેન્જમાં કોન્સોલિડેટ થાય તેવી શક્યતા નકારી ન શકાય. 

તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી 69 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બજાર વર્તુળો 63 ટકા શક્યતા મૂકી રહ્યા હતા. 

વધુમાં હવે રોકાણકારોની નજર આ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના જૂન મહિનાના ફુગાવાના ડેટા, પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેકેસ, રિટેલ વેચાણના અને રોજગારીના ડેટાઓ પર સ્થિર થઈ છે. આ ઉપરાંત આવતીકાલે અમે મંગળવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શનાં કૉંગે્રસ સમક્ષનાં વક્તવ્ય પર પણ રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.