એક મહિનાની શાંતિ બાદ મિડલ ઇસ્ટમાં ફરી યુદ્ધની આગ ભડકી છે. અમેરિકાએ ઇરાનની અંદર રહેલા ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCના ઠેકાણા પર સતત બીજા દિવસે હુમલો કર્યો જેના જવાબમાં ઇરાને જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ અને ત્યાં રહેલા અમેરિકી મરીન ઠેકાણાને બેલેસ્ટિક મિસાઇલોથી ટાર્ગેટ કર્યું.
આ સાથે બહેરીનના શેખ ઇસા એરબેઝ પર મોટી સંખ્યામાં ડ્રોન હુમલો થયો, તો કુવૈતે પણ પોતાની ઉપર થયેલા ડ્રોન હુમલાની પુષ્ટિ કરી. જોર્ડનની સેનાના જણાવ્યા અનુસાર તેની એર ડિફેન્સે પોતાની સીમામાં ઘુસેલી 13માંથી 10 બેલેસ્ટિક મિસાઇલ હવામાં જ તોડી પાડી, જ્યારે 3 મિસાઇલ રહેણાંક વિસ્તારથી દૂર નિર્જન જગ્યાઓ પર જઇને પડી. જેનાથી કોઇના મોતના સમાચાર નથી.
IRGC (ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેણે હુમલો કરનારાઓને "જોરદાર જવાબ" આપ્યો છે. આ સંગઠનનો દાવો છે કે તેના હુમલામાં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો માર્યા ગયા છે, જોકે અમેરિકા તરફથી આ દાવાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઊલટાનું, એક અમેરિકી અધિકારીએ આ દાવાને ખોટો ગણાવતા કહ્યું કે સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOM ના નિવેદનમાં ક્યાંય પણ કોઈ અમેરિકી સૈનિકના જાનહાનિનો ઉલ્લેખ નથી.
ઈરાની મીડિયાનું એવું પણ કહેવું છે કે બહરીનના એરબેઝ પર થયેલા હુમલામાં રડાર સિસ્ટમ અને તે જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી જ્યાં અમેરિકી સૈનિકો હાજર હતા. જોર્ડનના મફ્રક શહેરમાં સાયરન અવાજો સાંભળવામાં આવ્યા હતા અને ત્યાં રોકેટને હવામાં રોકવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આ ઈરાન દ્વારા હોર્મુઝમાં દરિયાઈ માઇન બિછાવવાની નિષ્ફળ કોશિશ અને જોર્ડનમાં અમેરિકી બેઝ પર થયેલા મિસાઈલ હુમલાનો જવાબ છે. ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાને ફરીથી પલટવાર કર્યો તો તેને આનાથી પણ વધુ સખત અને મોટા સ્તરે જવાબ મળશે, જોકે આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો નથી, અસલી હુમલો હજુ બાકી છે.