સુરતઃ સુરતમાં 'સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ' સંચાલિત સમાધાન પંચની જાહેરાત પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં કન્યાઓની અછત અને વધતી જતી અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક અત્યંત ચર્ચિત નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં દીકરીઓની ઘટેલી સંખ્યા માટે ભૂતકાળની માનસિકતાને જવાબદાર ઠેરવી હતી અને 40 વર્ષથી વધુ વયના અપરિણીત યુવાનોને વાસ્તવિકતા સ્વીકારીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની સલાહ આપી હતી.
14 લાખ દીકરીઓની ઘટ અને ભ્રૂણહત્યાનું વરવું સત્ય
આ દરમિયાન મથુર સવાણીએ જણાવ્યું કે, 1970ના દાયકામાં અમલમાં મુકાયેલા કુટુંબ નિયોજન કાર્યક્રમ બાદ સમાજમાં જાતિગત અસંતુલન ઊભું થયું હતું. પરિવારોમાં દીકરીનો જન્મ થયા પછી પણ દીકરાની આશાએ સંતાન પ્રાપ્તિના પ્રયાસો ચાલુ રાખવામાં આવતા, જ્યારે દીકરો જન્મે એટલે પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવી લેવાતું હતું. આ પ્રકારની માનસિકતા, સોનોગ્રાફી તકનીકનો દુરુપયોગ અને સ્ત્રી ભ્રૂણહત્યાના કારણે રાજ્યમાં ગંભીર લિંગ અસંતુલન સર્જાયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, જાગૃતિ અભિયાન શરૂ થયું ત્યારે ગુજરાતમાં છોકરાઓની તુલનાએ આશરે 14 લાખ દીકરીઓ ઓછી જન્મી ચૂકી હતી.
40થી વધુ વયના અવિવાહિત યુવાનોને મથુર સવાણીએ કરી ખાસ અપી.... #mathursavani #Surat https://t.co/7Uh7lKXKHl
— Vimal Prajapati GJ (@mgvimal_12) October 9, 2026
આ સાથે મથુર સવાણીએ ઉમેર્યું કે, 2003થી સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવાના પ્રયાસોથી ઘણા યુવાનોના લગ્ન થઈ શક્યા, પરંતુ આ કોઈ કારખાનામાં ઉત્પાદિત થતો માલ નથી કે તાત્કાલિક ઘાટો પૂરો કરી શકાય. તેથી 40 વર્ષ વટાવી ચૂકેલા યુવકોએ કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે. 40 પ્લસ ઉંમરના અપરિણીત યુવાનોને આહવાન કરતા મથુર સવાણીએ કહ્યું કે હવે 'વાંઢા' શબ્દની ઓળખ સાથે જીવવાને બદલે સકારાત્મક વિચારસરણી અપનાવવી જોઈએ.
મથુર સવાણી 40 પ્લસના યુવાનોને શું અપીલ કરી?
મૂળ વાત એ છે કે, આ 40 પ્લસના યુવાનોને એક અપીલ કરી છે કે, દેશમાં અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી અને શક્તિસિંહ ગોહિલ જેવા અનેક નેતાઓ છે જેમણે આજીવન વિવાહ કર્યા નથી અને પોતાનું સમગ્ર જીવન દેશ તથા સમાજ માટે સમર્પિત કરી દીધું છે. યુવાનોએ પણ આવા નેતાઓમાંથી પ્રેરણા લઈ પોતાની શક્તિ રાષ્ટ્રસેવામાં લગાવવી જોઈએ. તેમણે સમાજને પણ વિનંતી કરી હતી કે આવા યુવાનોને માનસિક રીતે મજબૂત કરવા અને તેમને યોગ્ય દિશા આપવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.