Fri Oct 09 2026

Logo

અમદાવાદમાં ઓક્ટોબરમાં એપ્રિલ જેવી ગરમી! તાપમાન 38 ડિગ્રીને પાર

2026-10-08 22:56:42
Author: Mumbai Samachar Team
અમદાવાદમાં ઓક્ટોબરમાં એપ્રિલ જેવી ગરમી! તાપમાન 38 ડિગ્રીને પાર

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી સવાર-રાત્રે સામાન્ય ઠંડક તો, બપોરે ઉનાળા જેવો આકરો તાપ અનુભવાતા નગરજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.  શહેરમાં છેલ્લા પાંચ દિવસથી બપોરે 36 ડિગ્રી ઉપર તાપમાન પહોંચ્યું છે. આજે બપોરે તો 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા નગરજનો અકળાયા હતા. ઓકટોબરમાં એપ્રિલ જેવા તાપનો અનુભવ થયો હતો. આથી અમદાવાદનું મહતમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પુરી શકયતા છે.

વાતાવરણમાં ભેજ ઘટ્યો

સવારે 9 વાગ્યા બાદ અમદાવાદમાં બપોરે 2.30 કલાકે હવામાં ભેજ ખૂબ જ ઓછો નોંધાયો હતો. પવનની ઝડપ એકાએક ઘટી ગઈ હતી. આ ઉપરાંત આજે સવારે 8.00 કલાકે શહેરનું તાપમાન 29 અને લઘુતમ તાપમાન 21  ડિગ્રી નોંધાયુ હતું. સવારે હવામાં ભેજ 70 ટકા અને પવનની ઝડપ સરેરાશ 8 કીમી રહેવા પામી હતી. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન રહેશે, સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ રહેશે. ગુરૂવારે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં રાજ્યભરમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી પવન ફેંકાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

સમગ્ર ઋતુચક્રમાં ફેરફાર

સતત બે દિવસ સુધી અમદાવાદનું વાતાવરણ ધૂધળું રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળ્યું પણ સાથે સાથે ઉનાળા જેવો બફારો અનુભવાયો હતો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન સૂકું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. વાતાવરણ સામાન્ય રહેતા શિયાળો શરૂ થવાની નાગરિકો રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ઑક્ટોબર મહિનામાં અને નોરતા નજીક આવતા શિયાળું માહોલ શરૂ થઈ જાય છે. આ ઋતુચક્રમાં હવે ફેરફાર થઈ રહ્યો છે.