નવી દિલ્હીઃ ફેસ્ટિવલ સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પહેલા નોરતા શરૂ થશે એ પછી દિવાળીના દિવસો શરૂ થશે. માર્કેટમાં એક અલગ પ્રકારની રોનક જોવા મળશે પણ ઘરે જવાનું કે ફરવા જવાનું પ્લાનિંગ કરતા પરિવારોને વધારે પૈસા ચૂકવવા પડશે. એર ટિકિટના ભાવમાં વધારો થતા મહાનગર તરફના રૂટ પર પૈસા વધારે ચૂકવવાના થશે. એવિએશન કંપનીએ એલાન કર્યું છે કે, એર ટ્રાવેલ ફેર (ટિકિટ ભાડું) વધારી દેવામાં આવશે. હજુ થોડા દિવસ પહેલા ઈન્ડિગોએ ફ્યૂલ સરચાર્જમાં વધારો થતા ટિકિટના ભાવ વધાર્યા હતા. હવે એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ તથા અકાસાએ ફ્યૂલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે ફેસ્ટિવલ સીઝન આવી રહી છે.
ટિકિટ ભાડા વધાર્યા
કંપનીનો આ નિર્ણય એવિએશન ટર્બાઈન ફ્યૂલ ATFની કિંમતમાં સતત વધારાને ધ્યાને લેતા લેવામાં આવ્યો છે. આ નવા ભાવ 9 ઑક્ટોબરના રોજ લાગૂ પડી જશે. આની સીધી અસર એર ટિકિટ પર પડે એમ છે. કંપનીના રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં મિડલઈસ્ટમાં થઈ રહેલી લડાઈ અને ઊર્જા પર વધી રહેલા ભારણને કારણે atfના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને એવિએશન સેક્ટરમાં ઉપયોગમાં લેવામાં આવતા ફ્યૂલના ભાવમાં વધારો થતા એવિએશન કંપનીઓએ ટિકિટ ભાડા વધારવા નિર્ણય કર્યો. કંપનીઓના જણાવ્યા અનુસાર, ભૌગોલિક-રાજકીય ઘટનાક્રમ અને વૈશ્વિક ઊર્જા બજારો પરના દબાણને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં વધઘટ જોવા મળી છે. ભાવમાં થયેલા તાજેતરના વધારાને કારણે એરલાઇન્સનો ખર્ચ વધ્યો છે, કારણ કે તેમના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો નોંધપાત્ર હોય છે. ઈંધણ પરનો નવો સરચાર્જ ઈંધણના વધેલા ખર્ચનો અમુક અંશ સરભર કરવામાં મદદરૂપ થશે, જેનાથી બંને એરલાઇન્સ તેમના સંબંધિત રૂટ પર ફ્લાઇટ કામગીરી ચાલુ રાખી શકશે.
9 ઑક્ટોબરના લાગુ
એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે, નવો સરચાર્જ 9 ઓક્ટોબરની મધ્યરાત્રિ (IST) થી કરવામાં આવતા નવા બુકિંગ પર લાગુ થશે. એર ઈન્ડિયા માટે, તે 9 ઓક્ટોબરના રોજ સવારે 11:00 વાગ્યા (IST) થી કરવામાં આવતા નવા બુકિંગ પર લાગુ થશે. સરચાર્જની રકમ ફ્લાઇટના રૂટ અને અંતરના આધારે અલગ-અલગ હશે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્લાઈટના અંતરના આધારે ડોમેસ્ટિક વન-વે ફ્લાઈટ્સ માટે ₹400 થી ₹1,200 સુધીનો ફ્યુઅલ સરચાર્જ (ઈંધણ પરનો વધારાનો ચાર્જ) નક્કી કર્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે, આ સરચાર્જ $55 થી $215 ની વચ્ચે રહેશે. આનો અર્થ એ છે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) ના વધતા ભાવોની અસર હવે ઘરેલુ અને અમુક આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના ભાડામાં જોવા મળશે.
આકાસા એર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં વધારો
આકાસા એરના જણાવ્યા અનુસાર, નવો ફ્યુઅલ સરચાર્જ 9 ઓક્ટોબર, 2026ના રોજ મધ્યરાત્રિએ 12:01 વાગ્યાથી કરવામાં આવતા તમામ નવા બુકિંગ પર લાગુ થશે. નવા નિયમો હેઠળ, ઘરેલુ ફ્લાઈટ્સના મુસાફરોએ મુસાફરીના અંતરના આધારે ₹375 થી ₹1,150 સુધીનો વધારાનો ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે, આકાશા એરે છ દેશો/સ્થળો માટે ₹2,500નો ફ્યુઅલ સરચાર્જ નક્કી કર્યો છે; આ રૂટ પર ટિકિટ બુક કરાવતા મુસાફરોએ સામાન્ય ભાડા ઉપરાંત આ વધારાના ₹2,500 ચૂકવવા પડશે.
ઈન્ડિગો (IndiGo) દ્વારા ચાર્જમાં વધારો
ઈન્ડિગોએ પણ તા. 6 ઓક્ટોબર, 2026ના રોજ મધ્યરાત્રિએ 12:01 વાગ્યાથી કરવામાં આવતા નવા બુકિંગ માટે ફ્યુઅલ ચાર્જમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે, અંતરના આધારે ફ્યુઅલ ચાર્જ ₹375 થી ₹1,300 ની વચ્ચે રહેશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે, રૂટના આધારે ચાર્જ ₹1,000 થી ₹10,000 ની વચ્ચે રહેશે, જેમાં યુરોપની ફ્લાઈટ્સ માટે સૌથી વધુ ₹10,000નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, મુસાફરો પરની અસર ઘટાડવા માટે ચાર્જમાં કરવામાં આવેલો વધારો વાસ્તવિક ઈંધણ ખર્ચ કરતાં ઓછો રાખવામાં આવ્યો છે.