Thu Oct 08 2026

Logo

નાના પાટેકરે રાજ કપૂર અને દેવ આનંદની ફિલ્મોની ઓફર કેમ ઠુકરાવી? જાણો રસપ્રદ કિસ્સા

2026-10-08 21:30:00
Author: Mumbai Samachar Team
નાના પાટેકરે રાજ કપૂર અને દેવ આનંદની ફિલ્મોની ઓફર કેમ ઠુકરાવી? જાણો રસપ્રદ કિસ્સા

મુંબઈ: દિગ્ગજ અભિનેતા નાના પાટેકર પોતાની દમદાર અને ગંભીર ભૂમિકાઓ માટે જાણીતા રહ્યા, પરંતુ તેમની કારકિર્દીનો એક રસપ્રદ કિસ્સો એ પણ છે કે તેમણે ભારતીય સિનેમાના અનેક દિગ્ગજોની ફિલ્મોમાં કામ કરવાની ઓફર ઠુકરાવી હતી. ડિસેમ્બર 2024માં આપેલા ઈન્ટરવ્યૂમાં નાનાએ જણાવ્યું હતું કે રાજ કપૂર, દેવ આનંદ અને વી. શાંતારામ જેવા દિગ્ગજોએ તેમને પોતાની ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે આ ઓફર સ્વીકારી નહોતી.

નાના પાટકરેએ રાજ કપૂર સાથેનો કિસ્સો યાદ કરતાં કહ્યું હતું કે તેઓ આર.કે. સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે રાજ કપૂરે તેમને પૂછ્યું હતું કે શું તેઓ તેમની ફિલ્મમાં કામ કરશે. નાનાએ વિચાર્યું કે રાજ કપૂર તેમના પિતાના મનપસંદ હીરો હતા, પરંતુ તેમ છતાં તેમણે રાજ કપૂરને ના પાડી દીધી હતી.

નાના પાટેકરના જણાવ્યા અનુસાર, તેમના ઘરમાં રાજ કપૂર તેમના માતા-પિતા સહિત સૌના પ્રિય અભિનેતા હતા. તેમને ડર હતો કે જો ફિલ્મના કોઈ દૃશ્યને લઈને રાજ કપૂર સાથે મતભેદ થાય અને તેઓ પોતાની અસહમતિ વ્યક્ત કરે, તો તેમને લાગશે કે તેઓ રાજ કપૂરનો અનાદર કરી રહ્યા છે.

નાનાએ કહ્યું હતું કે આ જ કારણસર તેમણે દેવ આનંદની ઓફર પણ નકારી હતી. તેમણે દેવ આનંદને પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તેમને સામાન્ય કલાકાર તરીકે જોઈ શકતા નથી. વી. શાંતારામે પણ જ્યારે નાનાને પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી ત્યારે નાનાએ તેમને કહ્યું હતું કે તેઓ તેમના માટે એટલા મોટા હતા કે તેમની સાથે કામ કરવાની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. એટલે નાના માટે આ ઈનકાર ફિલ્મથી દૂર રહેવાનો નહીં, પરંતુ તેમના મનમાં રહેલા દિગ્ગજ કલાકારો પ્રત્યેના સન્માનનો હતો.

નાના પાટેકરે પોતાના ઈન્ટરવ્યૂમાં ઋષિ કપૂર સાથેની મિત્રતાને પણ યાદ કરી હતી. રાજ કપૂરની ફિલ્મની ઓફર નકારનાર નાનાં બાદમાં તેમના પુત્ર ઋષિ કપૂરના નજીકના મિત્ર બન્યા હતા. બંનેએ 1995ની ફિલ્મ ‘હમ દોનો’માં સાથે કામ કર્યું હતું, જેમાં તેમણે અલગ થઈ ગયેલા ભાઈઓની ભૂમિકા ભજવી હતી. વાસ્તવિક જીવનમાં પણ બંને વચ્ચે ખૂબ જ નિખાલસ સંબંધ હતો અને ઋષિ કપૂર ઘણીવાર નાનાંને સંદેશ મોકલીને તેમના ઘરે આવવાની અને સાથે ભોજન કરવાની વાત કરતા હતા.

નાનાએ સંઘર્ષના દિવસોમાં મરાઠી અભિનેતા અશોક સરાફે કરેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 1970ના દાયકાના અંતમાં અને 1980ના દાયકામાં જ્યારે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે સરાફ તેમના માટે મોટા ભાઈ જેવા હતા. 

1979માં નાનાને પૈસાની જરૂર હતી ત્યારે અશોક સરાફે તેમને રૂ.15,000ની ચેક આપી હતી અને જરૂર મુજબ રકમ લખવાનું કહ્યું હતું. નાનાએ તેમાં રૂ.3,000 લખીને પૈસા લીધા હતા. બાદમાં તેમણે ‘સાવિત્રી’ ફિલ્મમાં સાથે કામ કરીને આ રકમ પરત કરી હતી.

લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં નાનાં પાટેકરે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા હતા. ‘ક્રાંતિવીર’ માટે શ્રેષ્ઠ અભિનેતા તથા ‘પરિંદા’ અને ‘અગ્નિસાક્ષી’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાના પુરસ્કાર તેમને મળ્યા હતા. 
2013માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત પણ થઈ હતી. જોકે નાનાં માટે સન્માન કરતાં તેમની પોતાની કળા અને કામ વધુ મહત્વનું હતું. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશ તરફથી મળતું સૌથી મોટું સન્માન હોવાથી તેઓ તેને ના કહી શકતા નથી.