Thu Oct 08 2026

Logo

વડોદરાના સયાજીબાગના મૉર્નિંગ વૉકર્સની જીત, પાલિકાએ પ્રોજેક્ટ કર્યો રદ

2026-10-08 17:56:02
Author: Pooja Shah
વડોદરાના સયાજીબાગના મૉર્નિંગ વૉકર્સની જીત, પાલિકાએ પ્રોજેક્ટ કર્યો રદ

અમદાવાદઃ વડોદરાના સયાજીબાગમાં મહાનગરપાલિકાએ ટોર્ચ આકારના મોટા સ્તંભ જેવો પ્રોજેક્ટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. અહીં સવારે ચાલવા અને શુદ્ધ હવા લેવા આવતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધમાં કૉંગ્રેસનાં નેતા અમી રાવત અને નરેન્દ્ર રાવત પણ સામેલ હતા. નરેન્દ્ર રાવતે એવો દાવો કર્યો હતો કે મહાનગરપાલિકાએ લોકોના વિરોધને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ પડતો મૂક્યો છે. 

જોકે મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર અંતિમ નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ લોકોને જાણ કરવામા આવશે. 

રાઉતે જણાવ્યું હતું કે અમને પાલિકાના અધિકારીઓનો ફોન આવ્યો હતો, તેમણે અમને ખાતરી આપી હતી કે સયાજીબાગમાં તે માળખું (સ્ટ્રક્ચર) બનાવવાનો પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે. હવે તેઓ તેને અન્ય કોઈ સ્થળે બનાવવાનું આયોજન કરી રહ્યા છે. સયાજીબાગની સુંદરતા જાળવી રાખવા ઈચ્છતા દરેક વડોદરાવાસી માટે આ એક વિજય છે. આ નિર્ણયની ઉજવણી કરવા માટે બુધવારે સવારે વોકિંગ માટે આવતા લોકો પાર્કમાં એકઠા થયા હતા.

પાલિકા પાસે ઘણી જમીન છે. તે ઈચ્છે ત્યાં સ્મારક બનાવી શકે છે. શહેરના સૌથી મોટા બગીચાઓમાંના એકને શા માટે નુકસાન પહોંચાડવું અને લોકો દ્વારા વપરાતી ખુલ્લી જગ્યાઓ શા માટે છીનવી લેવી? ઝડપથી શહેરીકરણ પામી રહેલા આ શહેરમાં બચેલી ગણતરીની ખુલ્લી હરિયાળી જગ્યાઓ પૈકી સયાજીબાગ એક છે," તેમ ભૂતપૂર્વ કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું.