Thu Oct 08 2026

Logo

હાઇ કોર્ટે વાઝેની લક્ઝરી કાર, ફાઇવસ્ટાર હોટેલમાં રોકાણ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું, તેની વિરુદ્ધ ખંડણીના આરોપોની પણ કોર્ટે નોંધ લીધી

2026-10-08 17:56:37
Author: Yogesh D. Patel
હાઇ કોર્ટે વાઝેની લક્ઝરી કાર, ફાઇવસ્ટાર હોટેલમાં રોકાણ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું, તેની વિરુદ્ધ ખંડણીના આરોપોની પણ કોર્ટે નોંધ લીધી

મુંબઈ: ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ) સચિન વાઝે મુખ્ય પ્રધાનના બંગલો અને મુંબઈ પોલીસ કમિશનરેટમાં જતી વખતે લકઝરી કારના ઉપયોગ કરતો હતો, તે બાબતે બોમ્બે હાઇ કોર્ટે ગુરુવારે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. 2021માં એન્ટિલિયા નજીક વિસ્ફોટકો અને થાણેના બિઝનેસમૅન મનસુખ હિરેનની હત્યાના કેસમાં સચિન વાઝે આરોપી છે.

જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે જ્યારે પોલીસ વરદીધારી વ્યક્તિ તરફ આવા ગુનામાં અંગુલીનિર્દેશ થાય ત્યારે તેની પ્રામાણિકતા, તેનું આચરણ વગેરે જેવાં અનેક અન્ય પાસાંનો પણ વિચાર કરવો જરૂરી છે.

કોર્ટ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી છે, જેમાં વાઝેને જામીન આપવાના વિશેષ કોર્ટના 29 સપ્ટેમ્બરના આદેશને પડકારવામાં આવ્યો છે. હાઇ કોર્ટે ગયા સપ્તાહે જામીન આદેશ પર વચગાળાનો સ્ટૅ આપ્યો હતો, જેને પરિણામે વાઝે હજી પણ થાણે સેન્ટ્રલ જેલમાં બંધ છે. 

એનઆઇએ વતી ગુરુવારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ એક સાક્ષીદારનું નિવેદન વાંચતા હતા, જેમાં એવો સંકેત અપાયો કે વાઝે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવાં મોંઘાં વાહનોનો ઉપયોગ કરતો હતો. એપીઆઇ દરજ્જાના વાઝેને આવી મોંઘી કાર કઇ રીતે પરવડી શકે.

પોલીસ મુખ્યાલયમાં જ કચેરી ધરાવતો હતો ત્યારે વાઝે ઘરમાંથી મર્સિડીઝમાં આવતો હતો અને મુખ્ય પ્રધાનના બંગલો પર જતો ત્યારે પણ મર્સિડીઝમાં જતો હતો. વળી, વાઝે ત્રણ મહિના સુધી ઓબેરોય હોટેલમાં રોકાયો હતો. તે ત્યાં કઇ રીતે મુકામ કરી શક્યો અથવા તેણે 100 દિવસ માટે ઓબેરોયમાં રૂમ કેવી રીતે બૂક કરી? એપીઆઇના વેતનમાં આ શક્ય છે? એપીઆઇ દરજ્જાના અધિકારીનો માસિક પગાર કેટલો છે?, એમ જસ્ટિસ કુલકર્ણીએ પૂછ્યું હતું. 

અનિલ સિંહે જણાવ્યું હતું કે એપીઆઇને 90 હજાર રૂપિયાથી વધુ પગાર નથી. કોર્ટે નોંધ કરી કે આખરે આ બધું જ વાઝે વિરુદ્ધ ખંડણીના આરોપો સાથે કડી ધરાવે છે. ડિવિઝન બેન્ચે પૂછ્યું હતું કે એસયુવીમાં મુકાયેલી જિલેટિન સ્ટિક્સ વાઝે ક્યાંથી લાવ્યો હતો. આવા વિસ્ફોટકો વેચનાર પાસે અને ખરીદનાર પાસે લાઇસન્સ આવશ્યક હોય છે. સિંહે જણાવ્યું હતું કે વાઝેએ આ બાબતે કોઇ જવાબ આપ્યો નથી. સિંહે જણાવ્યું હતું કે અમે તુરંત ટ્રાયલ શરૂ કરવા માટે તૈયાર છીએ. અમે ફક્ત 150 સાક્ષીદારોને તપાસીશું. કોર્ટે સુનાવણી 14 ઑક્ટોબરે રાખી છે, જ્યાં સુધી જામીન સામે સ્થગિતી ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરી, 2021ના રોજ દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો સાથેની એસયુવી મળી આવી હતી. એસયુવી થાણેના બિઝનેસમૅન મનસુખ હિરેન પાસે હતી, જેનો મૃતદેહ પાંચમી માર્ચ, 2021ના રોજ મુંબ્રા રેતીબંદર ખાડી નજીકથી મળી આવ્યો હતો. (પીટીઆઇ)