Thu Oct 08 2026

Logo

મુલુંડ ટાટા કોલોનીમાં અગ્નિતાંડવઃ શ્રમિકોના કેમ્પમાં સાત સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી; સદનસીબે મોટી જાનહાનિ ટળી

2026-10-08 17:15:40
Author: Darshana Visaria
મુલુંડ ટાટા કોલોનીમાં અગ્નિતાંડવઃ શ્રમિકોના કેમ્પમાં સાત સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી; સદનસીબે મોટી જાનહાનિ ટળી

મુંબઈઃ મુંબઈના ઉપનગરીય વિસ્તાર મુલુંડ પૂર્વ સ્થિત ટાટા કોલોની નજીક એક વિશાળ લેબર કેમ્પમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે કેમ્પમાં રાખવામાં આવેલા સાત ગેસ સિલિન્ડરોમાં ઉપરાઉપરી જોરદાર બ્લાસ્ટ થયા હતા. 

મુલુંડ ઈસ્ટમાં આવેલી ટાટા કોલોનીમાં થયેલાં સિલિન્ડર બ્લાસ્ટના વિસ્ફોટ એટલા ભયાનક હતા કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. સદનસીબે, આગ લાગતાં જ તમામ શ્રમિકો સમયસર બહાર દોડી આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.

મુલુંડ પૂર્વના નવઘર અને ટાટા કોલોની પરિસરમાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામ ચાલી રહ્યું છે. આ સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે ગ્રાઉન્ડ પ્લસ વન (G+1) પ્રકારનો કામચલાઉ લેબર કેમ્પ બનાવવામાં આવ્યો હતો. 

બપોરના સમયે કેમ્પના એક રૂમમાં પહેલાં આગ ભભૂકી ઊઠી હતી અને ત્યારબાદ ત્યાં રાખેલા એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. જોતજોતામાં આગ આખા કેમ્પમાં ફેલાઈ ગઈ અને અન્ય ઘરોમાં રહેલા ૭ થી વધુ રાંધણ ગેસ સિલિન્ડરો ઉપરાઉપરી ધડાકાભેર ફાટ્યા હતા, જેના લીધે આખો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડના દસથી વધુ ફાયર ટેન્ડરો, એમ્બ્યુલન્સ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ લાગતાં જ કેમ્પમાં હાજર તમામ કામદારો સમયસૂચકતા વાપરીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. જોકે, સિલિન્ડર બ્લાસ્ટ અને આગના કારણે શ્રમિકોના રહેઠાણ, ઘરવખરી, અનાજ અને રોકડ રકમ સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે.