Thu Oct 08 2026

Logo

ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટર બૉલ રોકવા ગયો ત્યારે જુઓ, કેવી રીતે તેને માથામાં ગંભીર ઈજા થઈ!

Melbourne   2026-10-08 17:47:42
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટર બૉલ રોકવા ગયો ત્યારે જુઓ, કેવી રીતે તેને માથામાં ગંભીર ઈજા થઈ!

મેલબર્નઃ હજી બે મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા વતી છઠ્ઠી ટેસ્ટ મૅચ રમી ચૂકેલા 31 વર્ષીય ઓપનિંગ બૅટ્સમૅન જેક વેધરાલ્ડને એક ડોમેસ્ટિક મૅચ દરમ્યાન વિચિત્ર સ્થિતિમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી જેને લીધે તેણે એ મૅચની બહાર થઈ જવું પડ્યું હતું.

છ ટેસ્ટમાં કુલ 224 રન અને 92 ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં કુલ 6,290 રન બનાવી ચૂકેલો જેક વેધરાલ્ડ એક ચોગ્ગો રોકવા ગયો ત્યારે બાઉન્ડરી લાઇનની બહાર મેટલ બોર્ડ સાથે ટકરાયો હતો અને તેને માથામાં ઈજા થઈ હતી. ક્રિકેટમાં માથાની ઈજા કંકશન તરીકે ઓળખાય છે. તેને આ ઈજા થતાં તેના મગજ પર ઊંડી અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ચોગ્ગો રોકી ન શક્યો અને...

સાઉથ ઑસ્ટ્રેલિયાનો વેધરાલ્ડ (Weatherald) વિક્ટોરિયા સામેની આ મૅચમાં બૉલને બાઉન્ડરી લાઇનની અંદર રોકી નહોતો શક્યો. ઊલટાનું, તે લાઇનની બહાર પડ્યો હતો અને નજીકના ધાતુના બોર્ડ (Metal Board) સાથે તેના માથાનો પાછળનો ભાગ ટકરાયો હતો. નજીકનો ફીલ્ડર તરત તેની મદદે દોડી આવ્યો હતો. મેદાન પરના બધા ખેલાડીઓ પણ તેની પાસે આવ્યા હતા. ત્યારે તો વેધરાલ્ડ સારી સ્થિતિમાં હતો, પણ ઈજાની અસર ધીમે-ધીમે ગંભીર બનતાં તેને તરત જ મેદાનની બહાર ચેક-અપ અને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

કેટલા દિવસમાં પાછો રમી શકે

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ નિયમ અનુસાર કંકશનનો ભોગ બનનાર ખેલાડીએ ડૉક્ટરની દેખરેખ હેઠળ તેની ધીમે-ધીમે તાલીમ શરૂ થાય છે. આ ખેલાડી 14 દિવસમાં પૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તો તે ધીમે-ધીમે પ્રૅક્ટિસ શરૂ કરી શકે છે. માથામાં ઈજા થઈ હોવાથી તેને કમબૅક માટે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવાની સલાહ અપાય છે. તે કુલ મળીને 21 દિવસ પછી જ અને ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા પછી જ ફરી રમવા આવી શકે છે.

કંકશનનો ભોગ બનનાર ખેલાડી કઈ તકલીફ અનુભવે?

ખેલાડીને માથામાં ઈજા (કંકશન) થાય તો એ બાબતમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છેઃ માથું દુખે, ચક્કર આવે અથવા સંતુલન ગુમાવે, ઉલ્ટી થાય, ઝાંખુ દેખાય, કોઈ પ્રકારનો ભ્રમ થાય અથવા વારંવાર મૂંઝાઈ જાય, એકાગ્રતા ગુમાવે, યાદશક્તિ ગુમાવે, થોડા પ્રયાસોમાં જ થાકી જાય, પ્રકાશ અથવા ઘોંઘાટથી પરેશાન થઈ જાય અને પ્રતિક્રિયા આપવામાં મંદ થઈ જાય.