ક્રિકેટ-લેજન્ડે એવું પણ કહ્યું, `કંઈ કેટલાય ખેલાડીઓનું હવે નામ-નિશાન નથી'
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર્સમાં ગણાતા કપિલ દેવે 15 વર્ષના ક્રિકેટ-સેન્સેશન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)ને પોતાની સફળતા વિશે અત્યારથી વધુ પડતું અનુમાન કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. કપિલે તેના વિશેની ચર્ચામાં વિનોદ કાંબળીનું ઉદાહરણ આપ્યું અને કહ્યું, `કંઈ કેટલાય ખેલાડી પ્રતિભા સાથે આવ્યા, પણ હવે તેમનું હવે નામ-નિશાન નથી.'
વૈભવે માત્ર 13 વર્ષની ઉંમરે આઇપીએલમાં એન્ટ્રી કરી અને બે વર્ષમાં તે જગવિખ્યાત થઈ ગયો છે. 2026ની આઇપીએલમાં તેણે તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ 776 રન બનાવ્યા હતા અને સૌથી વધુ 72 છગ્ગા ફટકાર્યા હતા. તેણે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં 80 બૉલમાં અણનમ 175 રન બનાવ્યા હતા જેમાં તેની 15 સિક્સર અને 15 ફોર હતી. જુલાઈ, 2026માં તેણે ઇંગ્લૅન્ડ સામે રમીને ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી.
વૈભવની આ શરૂઆતની સફળતાઓ છતાં કપિલ દેવ (Kapil dev)એ તેના ભાવિ બાબતમાં ચેતવણીના સૂરમાં અભિપ્રાય આપ્યો છે. કપિલનું માનવું છે કે `સૂર્યવંશીમાં અસાધારણ ક્ષમતા અને કાબેલિયત છે, પરંતુ ઇતિહાસ બતાવે છે કે સર્વોચ્ચ સ્તરે સંગીન કારકિર્દી જાળવી રાખવા માટે માત્ર ટૅલન્ટ પૂરતી નથી.'
1983માં ભારતને સૌપ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર કપિલ દેવે એક જાણીતા અંગે્રજી દૈનિકને વૈભવ સૂર્યવંશી વિશે પૂછાતાં એવું પણ કહ્યું કે `અત્યારે તેના વિશે વધુ કંઈ કહેવું વહેલું કહેવાશે. તેનામાં બહુ સારી કાબેલિયત છે? હા, એ તો છે, પરંતુ ક્રિકેટમાં એવા ઘણા ખેલાડીઓ થઈ ગયા જેઓ ઘણી સારી કાબેલિયત સાથે ક્રિકેટના ફલક પર આવ્યા હતા. વિનોદ કાંબળીને જ જોઈ લો. એના વિશે હવે શું કહેવું.'
વિનોદ કાંબળીનું ઉદાહરણ આપવા પાછળનો કપિલ દેવનો આશય એ હતો કે પ્રારંભિક પર્ફોર્મન્સ કરતાં સમય અને અંગત વિકાસ વધુ મહત્ત્વના હોય છે. કપિલે વૈભવ સૂર્યવંશી વિશે પૂછાતાં એવું પણ કહ્યું, `વૈભવ હજી 15 વર્ષનો છે. તેને હજી બીજા ત્રણ વર્ષ આપો, પછી તેના વિશે ચર્ચા કરીશું. તેની લાઇફસ્ટાઇલ બદલાશે એમ તેની વિચારધારામાં પણ ફેરફાર આવશે. ત્યાર પછી આપણને અંદાજ આવી જશે કે પછીના તેના બે વર્ષ કેવા રહેશે. ત્યારે તેના પર્ફોર્મન્સ કરતાં તેનો અંગત વિકાસ વધુ મહત્ત્વનો બનશે.'
ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબળી એક સમયે વિશ્વના ટોચના બૅટ્સમેનોમાં ગણાતો હતો. તેને ભારત વતી રમવાની ઘણી તકો મળી હતી. જોકે દારૂ અને સિગારેટની આદત ભલભલા સફળ માણસની કારકિર્દી ખોરવી નાખે એવું બન્યું હતું. કાંબળી હાલમાં થાણેના એક વૃદ્ધાશ્રમમાં રહે છે એવું થોડા દિવસ પહેલાં જાણવા મળ્યું હતું.