Thu Oct 08 2026

Logo

અમદાવાદમાં પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી પતિનો યુવક ખૂની હુમલો, રસ્તા પર દોડાવીને 22થી વધુ દંડા ફટકાર્યા

2026-10-08 17:05:03
Author: Mayur Patel
અમદાવાદમાં પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી પતિનો યુવક ખૂની હુમલો, રસ્તા પર દોડાવીને 22થી વધુ દંડા ફટકાર્યા

અમદાવાદઃ શહેરમાં ગુનેગારોને જાણે કોઈ બીક ન રહી હોય તેમ એકબાદ એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક યુવકને રસ્તા પર દોડાવીને 22થી વધુ દંડા માર્યાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

શું છે મામલો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી સિકંદર માર્કેટ નજીક અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કપડામાં લાકડાના દંડા સંતાડીને આવેલા ચાર શખસોએ કારખાનું ચલાવતા યુવકને બહાર ખેંચી લાવી અઢી મિનિટમાં દોડાવી-દોડાવીને 22થી વધુ દંડા ફટકાર્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી બે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે એક સગીરની અટકાયત કરી હતી.

જૂની અદાવત રાખી કારખાને પહોંચ્યા હુમલાખોરો

જમાલપુરના નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતો યુવક દાણીલીમડામાં કારખાનું ચલાવે છે. તેને તેના ઘરની સામે રહેતી એક મહિલા સાથે અગાઉ મિત્રતા હતી. આ બાબતની જાણ પરિવારોને થતાં 15 દિવસ પૂર્વે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. જોકે, તે સમયે સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થઈ ગયું હતું. આમ છતાં, મહિલાના પતિએ મનમાં અદાવત રાખી રાખી હતી. 6 ઓક્ટોબરના રોજ યુવક પોતાના સાથીઓ સાથે કપડામાં લાકડાના દંડા સંતાડી યાસરના કારખાને પહોંચ્યો હતો.

તે સમયે યુવક તેના મિત્ર  સાથે કારખાનામાં હાજર હતો. હુમલાખોરો તેને કારખાનાની બહાર ઢસડી લાવ્યા હતા અને શરીર, પગ તેમજ માથાના ભાગે બેફામ દંડા વરસાવ્યા હતા. યુવકને માથામાં જોરદાર ફટકો મારતાં લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી હુમલાખોરો હજી ઘરે આવીને મારીશું તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગે  પોલીસે જણાવ્યું કે, પત્ની સાથેની મિત્રતાની અદાવતમાં આ પૂર્વઆયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી મહિલાના પતિ  અને અન્ય આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ઘટનામાં સામેલ એક સગીરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીને પગમાં ઈજા પહોંચી હોવાથી તે હાલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઈ રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.