અમદાવાદઃ અમૃતસરમાં પંજાબી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મેડ સંધુની હત્યામાં કથિત સંડોવણી બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદ તરીકે ઓળખાતો આ આરોપી ગોલ્ડી ધિલ્લોન ગેંગ સાથે સંકળાયેલો હતો અને તેણે જ સંધુ પર ગોળીબાર કર્યો હોવાનું માનવામાં આવે છે. આરોપીનો રોલ ગોળીબારી કરવામાં અને બાઈક એરેન્જ કરવામાં હોવાની માહિતી પોલીસસૂત્રોએ આપી હતી.
અમૃતસરના લોહારકા રોડ વિસ્તારમાં ૩ ઓક્ટોબરે સંધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા શખ્સોએ તેના પર ગોળીબાર કર્યો હતો.
સંધુ સોશિયલ મીડિયા પરની તેમની સક્રિયતા અને મેકઅપ આર્ટિસ્ટ તરીકેના કામ માટે જાણીતો હતો. તે પોડકાસ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મેકઅપ આર્ટિસ્ટ્રી અને લિંગ-સંબંધિત મુદ્દાઓ વિશે વાત કરતો હતો. તેના કન્ટેન્ટ અને ફેશન ટીપ્સને કારણે તે ઘણીવાર ટ્રોલ થયો હતો.
તેમની કન્ટેન્ટ શૈલી અને ફેશન પસંદગીઓને કારણે તેમને સોશિયલ મીડિયા પર ટીકા અને વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.
થોડા મહિના પહેલાં, નિહંગ શિખે તેની સોશિયલ મીડિયા સામગ્રી અને પહેરવેશ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને કહ્યું હતું કે તેના વીડિયોની યુવાનો પર નકારાત્મક અસર પડશે.
સંધુના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૨.૨૬ લાખ ફોલોઅર્સ હતા. તેણે પંજાબી ફિલ્મ 'ઓય ભોલે ઓય'માં પણ અભિનય કર્યો હતો.