Thu Oct 08 2026

Logo

અંજાર PGVCL કચેરીમાં દાદાગીરી: મહિલા કર્મીના પતિ સહિત 7 શખ્સોનો નાયબ ઈજનેર પર જીવલેણ હુમલો

2026-10-08 14:01:13
Author: Vimal Prajapati
અંજાર PGVCL કચેરીમાં દાદાગીરી: મહિલા કર્મીના પતિ સહિત 7 શખ્સોનો નાયબ ઈજનેર પર જીવલેણ હુમલો

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની  સબ-ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર પર સરકારી કામગીરી દરમિયાન સાત શખ્સોએ હુમલો કરી, ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં અંજાર પોલીસ મથકે સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, અંજાર પીજીવીસીએલ કચેરીમાં છેલ્લા એકાદ માસથી હિરેનગિરિ હરેશગિરિ ગોસ્વામી ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૫ ઓક્ટોબરના રોજ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ તેમણે કચેરીના તાબા હેઠળના કર્મચારીઓની એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં નોકરી તેમજ કામગીરી સંદર્ભે જરૂરી વહીવટી સૂચનાઓ આપી હતી.

આ બાબતનો ખાર રાખીને તારીખ 6 ઓક્ટોબરના રોજ સવારે કચેરીની એક મહિલા કર્મચારી દક્ષાબેનના પતિ સંદીપ ચાવડાએ નાયબ ઈજનેરના મોબાઇલ પર મેસેજ મોકલી પોતે મળવા માગે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે બપોરે ફરિયાદી ઈજનેર કચેરીના બિલિંગ સેક્શનમાં સરકારી કામગીરી કરી રહ્યા હતા, ત્યારે લાલ ગમછો ઓઢેલો એક શખ્સ અંદર ધસી આવ્યો હતો. તેણે ફરિયાદીની કોલર પકડી, "હું નારણભા ગઢવી છું, તું ઓફિસની બહાર ચાલ" કહીને ખેંચતાણ શરૂ કરી દીધી હતી.

તે દરમિયાન પાછળથી અન્ય શખ્સો પણ ગાળાગાળી કરતા ધસી આવ્યા હતા. જે પૈકી સફેદ ચેક્સ શર્ટવાળા શખ્સે, "હું જ દક્ષાબેનનો પતિ સંદીપ છું, તું બહુ પાવર કરે છે" તેમ કહી નાયબ ઈજનેરની ડાબી આંખ પર જોરદાર મુક્કો મારી દીધો હતો. ત્યારબાદ અન્ય સાથીદારો સહિત કુલ સાત શખ્સોએ ડેપ્યુટી એન્જિનિયરને ઘેરી વળી ઢોરમાર માર્યો હતો. આરોપી સંદીપે ધમકી આપી હતી કે, "મારી પત્ની મન પડે તેમ નોકરી કરશે, તારે કોઈ સલાહ કે સૂચના આપવી નહીં, જો આપીશ તો જાનથી પતાવી દઈશ."

ઓફિસ પરિસરમાં થયેલી ઝપાઝપી અને બૂમાબૂમના પગલે અન્ય કર્મચારીઓ દોડી આવતાં ઈજનેરને વધુ મારથી બચાવી લીધા હતા. હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા બાદ ઈજાગ્રસ્ત નાયબ ઈજનેરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે કચેરીના સીસીટીવી કેમેરા ફૂટેજ તેમજ કર્મચારીઓએ ઉતારેલા વીડિયો સાથે અંજાર પોલીસ મથકે વિધિવત્ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો, ફરજમાં રૂકાવટ તેમજ ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામ સાતેય આરોપીઓને ઝડપી પાડવા કવાયત આદરી છે.

(ઉત્સવ વૈદ્ય)