ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દમદાર અને ક્રાંતિકારી દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar)એ 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા માત્ર મનોરંજન જગત જ નહીં પણ સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નાના પાટેકર માત્ર એક અદભુત એક્ટર જ નહોતા, પરંતુ શૂન્યમાંથી સર્જન કરનાર અસલી લડવૈયા હતા. નાના એક ઉમદા અભિનેતા તો હતા જ પરંતુ તેની સાથે સાથે તેઓ એક સારા, ટેલેન્ટેડ પેઈન્ટર પણ હતા.
વાત કરીએ નાના પાટેકરની પર્સનાલિટીની એક એવી બાજુ વિશે કે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે નાના એક્ટિંગમાં આવ્યા એ પહેલાં તેઓ એક સારા પેઈન્ટર હતા. એક સમય એવો હતો કે જ્યારે તેમણે મુંબઈના રસ્તાઓ પર ફિલ્મી પોસ્ટરો પેઇન્ટ કરવા પડ્યા હતા. આવો જાણીએ સંઘર્ષમાંથી સુપરસ્ટાર બનવાની નાના પાટેકરની પ્રેરણાદાયી જીવનયાત્રા.
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનો જન્મ પહેલી જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમના પિતા કાપડના નાના વેપારી હતા. જ્યારે નાના માત્ર 13 વર્ષના હતા, ત્યારે કોઈ અંગત વ્યક્તિ દ્વારા થયેલા વિશ્વાસઘાતને કારણે પિતાનો આખો બિઝનેસ બરબાદ થઈ ગયો અને તેમનો પરિવાર રસ્તા પર આવી ગયો. પરિવારને આર્થિક ટેકો આપવા માટે નાના પાટેકરે 13 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
શરૂઆતના દિવસોમાં તેઓ ફિલ્મોના પોસ્ટર પેઈન્ટ કરતા, ચૂનાથી રસ્તાઓ પર ઝેબ્રા ક્રોસિંગ પેઈન્ટ કરતાં હતા. આ કાળી મજૂરી બદલ તેમને દર મહિને માત્ર રૂપિયા 35 અને દિવસમાં એક ટંકનું ભોજન મળતું હતું. પૈસા બચાવવા માટે તેઓ રોજ ભૂખ્યા પેટે પગપાળા ચાલીને શાળાએ જતા હતા. ભૂખ અને લાચારીએ તેમને જીવનના શરૂઆતના દિવસોમાં જ કઠોર બનાવી દીધા હતા.
જેજે સ્કૂલ ઓફ આર્ટ્સથી થિયેટર સુધીની સફર:
નાના પાટેકરે મુંબઈની પ્રતિષ્ઠિત સર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટ્સ માંથી કોમર્શિયલ આર્ટ્સનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે એક એડવર્ટાઇઝિંગ એજન્સીમાં વિઝ્યુલાઇઝર તરીકે પણ નોકરી કરી. જોકે, તેમનો અસલી લગાવ અભિનય તરફ હતો. તેમણે મરાઠી રંગભૂમિ (થિયેટર)માં પગ મૂક્યો. થિયેટરના મંચ પર તેમના જોરદાર અવાજ, તીખી આંખો અને સંવાદોની અનોખી શૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું.
બોલીવૂડમાં એન્ટ્રી અને 3 નેશનલ એવોર્ડ્સ:
1978માં તેમણે 'ગમન' ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું, પરંતુ ખરી ઓળખ 1989ની ફિલ્મ 'પરિંદા' માં ગેંગસ્ટર અણ્ણા શેઠના રોલથી મળી. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો પહેલો નેશનલ એવોર્ડ મળ્યો. 1994ની ફિલ્મ 'ક્રાંતિવીર'માં પ્રતાપ નારાયણ તિલકના ક્રાંતિકારી રોલે તેમને દેશભરમાં સુપરસ્ટાર બનાવી દીધા. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. ત્યારબાદ 1996ની ફિલ્મ 'અગ્નિસાક્ષી' માટે ત્રીજો નેશનલ એવોર્ડ જીત્યો હતો. 'તિરંગા', 'ખામોશી', 'અબ તક છપ્પન', 'વેલકમ'થી લઈને મરાઠી ક્લાસિક 'નટસમ્રાટ' સુધી તેમણે પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપ્યો.
સફળતા મળ્યા છતાં સાદગી અને ખેડૂતો માટે સમર્પણ:
કરોડોની કમાણી અને પ્રસિદ્ધિ છતાં નાના પાટેકરે ક્યારેય ભપકાદાર જીવન જીવ્યું નહીં. તેઓ 1BHK ફ્લેટમાં સામાન્ય માણસની જેમ રહ્યા. મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરતા દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મદદ માટે તેમણે 2015માં મકરંદ અનાસપુરે સાથે મળીને 'નામ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી અને પોતાની કમાણીનો મોટો હિસ્સો ખેડૂતો અને વિધવા મહિલાઓના પુનર્વસન માટે દાનમાં આપી દીધો હતો.