નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં મંદીવાળા હાવી થઈ ગયા છે અને હાલ બજારને ટેકો મળે એવું એકે પરિબળ હાજર નથી. બપોર સુધીમાં બેન્ચ માર્કમાં ૧૨૦૦ પોઇન્ટથી મોટો કડાકો અને રૂ. ૧૧ લાખ કરોડથી વધુનું ધોવાણ જોવા મળ્યું છે. મુંબઈ સમાચારે બજારની મંદી વિશે ગઈકાલ, બુધવારની ઇન્ટરવલ પુરવણીની કવર સ્ટોરીમાં સ્પષ્ટ સંકેત અને કારણો પ્રકાશિત કર્યા છે.
ગુરુવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો થવાના કારણમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, વિદેશી ભંડોળનો બાહ્યપ્રવાહ અને સ્થાનિક અને વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિ લાંબા સમય સુધી કડક રહેવાની વધતી સંભાવનાઓનો સમાવેશ છે, જે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર દબાણ લાવી રહી હતી.
બપોરે 2:20 વાગ્યે, સેન્સેક્સ 1231 પોઈન્ટ અથવા 1.69 ટકા તુટીને 71,407.70 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 409.45 પોઈન્ટ અથવા 1.81 ટકા પટકાઈને 22,193.60 પર હતો. લગભગ 848 શેર વધ્યા, 3128 શેર ઘટ્યા, અને 146 શેર યથાવત રહ્યા.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના બેન્ચમાર્ક રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.50 ટકા કર્યા પછી, નિફ્ટી અને સેન્સેક્સે પાછલા સત્રમાં પીછેહઠ નોંધાવી હતી. વધતા ફુગાવા અને મજબૂત આર્થિક વૃદ્ધિ વચ્ચે રિઝર્વ બેંકે લગભગ ચાર વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં વધારો જાહેર કર્યો છે. જોકે રોકાણકારોને તેના હોકીશ વલણનો ડર છે.
આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય, તમામ મુખ્ય નિફ્ટી ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો થયો. વ્યાપક નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.