Thu Oct 08 2026

Logo

13 વર્ષની વયે 35 રૂપિયા માટે રોજ 16 કિમી ચાલતા નાના પાટેકર, છોડી ગયા આટલા કરોડની સંપત્તિ, જાણો પ્રેરણાદાયી સફર

2026-10-08 12:15:00
Author: Mumbai Samachar Team
13 વર્ષની વયે 35 રૂપિયા માટે રોજ 16 કિમી ચાલતા નાના પાટેકર, છોડી ગયા આટલા કરોડની સંપત્તિ, જાણો પ્રેરણાદાયી સફર

મુંબઈ: દિગ્ગજ અભિનેતા વિશ્વનાથ પાટેકર એટલે કે નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે અચાનક નિધન થયું છે. ફિલ્મ જગતના મહાન અભિનેતા અને એક સારા દિલના માણસ તરીકે નાના પાટેકરને હંમેશાં યાદ કરવામાં આવશે. જોકે, તેમની કહાની માત્ર એક સુપરસ્ટાર બનવા પૂરતી મર્યાદિત નહોતી. ફિલ્મી પડદે રાજ કરતા પહેલાં તેમણે નાનપણથી જ જીવનના સંઘર્ષોનો સામનો શરૂ કરી દીધો હતો.

નાના પાટેકરનો જન્મ એક મધ્યમવર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ આર્થિક સંઘર્ષ વચ્ચે પસાર થયું હતું. વર્ષ 2024માં એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માત્ર 13 વર્ષની ઉંમરે જ તેમણે નોકરી શરૂ કરી દીધી હતી, કારણ કે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને માતાનું દુઃખ જોઈને તેઓ આર્થિક રીતે પરિવારને સહયોગ આપવા માંગતા હતા.

નાના પાટેકરે જણાવ્યું હતું કે તેમની પહેલી નોકરી માટે તેમને દરરોજ ઘરથી લગભગ 8 કિલોમીટર દૂર જવું પડતું હતું અને એટલું જ અંતર પરત ફરવું પડતું હતું. એટલે કે તેઓ રોજના કુલ 16 કિલોમીટર પગપાળા ચાલતા હતા. આ મહેનતના બદલામાં તેમને માત્ર 35 રૂપિયા મળતા હતા. ખાસ વાત એ હતી કે તેમનું કામ ફિલ્મોના પોસ્ટર પેઇન્ટ કરવાનું હતું. નાની ઉંમરે શરૂ થયેલી આ મહેનત અને સંઘર્ષે જ આગળ જઈને તેમના જીવન અને વ્યક્તિત્વને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી.

આજે નાના પાટેકર આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સાદગી અને સંઘર્ષની કહાની હંમેશાં યાદ રહેશે. એક સમય એવો હતો જ્યારે તેઓ પરિવારની મદદ માટે 35 રૂપિયાની નોકરી કરતા હતા, જ્યારે જીવનના આગળના પડાવમાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિધન સમયે નાના પાટેકર પોતાના પાછળ આશરે 80 કરોડ રૂપિયાથી વધુની નેટવર્થ છોડી ગયા હોવાનું કહેવાય છે. તેમની આ સફર સંઘર્ષમાંથી સફળતા અને નામના મેળવવા સુધીની પ્રેરણાદાયક કહાની છે.

નાના પાટેકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમની માતાને સોનું ખૂબ પસંદ હતું. માતાની આ પસંદગીના કારણે તેમને પણ સોના પ્રત્યે લગાવ થઈ ગયો હતો. ફિલ્મોમાંથી કમાણી કર્યા બાદ તેઓ પોતાની માતા માટે સોનું ખરીદીને ઘરે લઈ જતા હતા. આ વાત તેમના જીવનમાં પરિવાર અને ખાસ કરીને માતા પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.