Thu Oct 08 2026

Logo

75 વર્ષની વયે નાના પાટેકરનું નિધન; પરિવારને એકલા છોડી ગયા દિગ્ગજ અભિનેતા, પત્ની-પુત્ર સાથે હતો આવો નાતો

2026-10-08 09:04:00
Author: Mumbai Samachar Team
75 વર્ષની વયે નાના પાટેકરનું નિધન; પરિવારને એકલા છોડી ગયા દિગ્ગજ અભિનેતા, પત્ની-પુત્ર સાથે હતો આવો નાતો

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. 75 વર્ષની ઉંમરે નાના પાટેકરે દુનિયાને અલવિદા કહી દીધી છે. આજે સવારે 5:20 વાગ્યે ગોવાના મણિપાલ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને છાતીમાં ભારે દુખાવો થયા બાદ મેડિકલ ટીમ તેમના ફ્લેટ પર પહોંચી હતી, જ્યાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યું અને બાદમાં હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં. તેમના પુત્ર મલ્હાર પાટેકરે પણ પિતાના નિધનની પુષ્ટિ કરી છે. 

નાના પાટેકરનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરા ખાતે એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા દિનકર પાટેકર ટેક્સટાઇલ પેઇન્ટર હતા અને નાના પાયાના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા, જ્યારે માતા સંજનાબાઈ પાટેકર ગૃહિણી હતાં. બાળપણમાં તેમણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ પોતાની મહેનત અને અભિનય પ્રતિભાના આધારે તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં અલગ ઓળખ બનાવી હતી. 

નાના પાટેકરને ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિસાક્ષી’ અને ‘વેલકમ’ જેવી ફિલ્મોમાં તેમના દમદાર અભિનય માટે ખાસ ઓળખવામાં આવતા હતા. પડદા પર તેમના બોલવાના લહેજા, આક્રમક અંદાજ અને અસરકારક ડાયલોગ ડિલિવરીએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. 

વ્યક્તિગત જીવનની વાત કરીએ તો નાના પાટેકરની પત્ની નીલકાંતિ પાટેકર મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી રહી છે અને અભિનેત્રી તથા પ્રોડ્યુસર તરીકે કામ કરી ચૂકી છે. બંનેની મુલાકાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ થઈ હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી બંને અલગ-અલગ રહેતા હતા, તેમ છતાં તેમના સંબંધનો કાયદેસર અંત આવ્યો નહોતો અને બંનેએ જાહેરમાં છૂટાછેડાની વાત કરી નહોતી. 

નાના અને નીલકાંતિને બે પુત્રો હતા. તેમના મોટા પુત્ર દુર્વાસાનું માત્ર 2 વર્ષની ઉંમરે બીમારીના કારણે નિધન થયું હતું. ત્યારબાદ તેમનો નાનો પુત્ર મલ્હાર પાટેકર છે. મલ્હાર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચુક્યો છે અને તેને અભિનયમાં પણ રસ છે. પિતાની જેમ તે પણ મીડિયા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. નાના પાટેકર પણ પરિવારને હંમેશાં લાઇમલાઇટથી દૂર રાખતા હતા. 

નાના પાટેકર ઘણા સમયથી ફિલ્મોથી દૂર ખેતી, સમાજસેવા અને ખેડૂતો માટે કામ કરવામાં પોતાનો સમય પસાર કરતા હતા. સ્ટારડમની ચમકથી દૂર સાદું અને ખાનગી જીવન જીવતા નાના પાટેકરના અચાનક નિધનથી પરિવાર, ચાહકો અને સમગ્ર ભારતીય ફિલ્મ જગતને મોટો આઘાત લાગ્યો છે. 75 વર્ષની ઉંમરે તેમની વિદાય સાથે ભારતીય સિનેમાએ એક એવા કલાકારને ગુમાવ્યો છે, જેમની દમદાર અભિનય શૈલી અને આગવી ઓળખ લાંબા સમય સુધી યાદ રહેશે.